'ગુજ્જુ લવગુરુ' ફેમ ચંદન રાઠોડનું સુઈગામમાં બેસણું યોજાયું: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્ય મંત્રી સ્વરુપજી ઠાકોરે પાઠવી શ્રદ્ધાંજલિ

સોશિયલ મીડિયા ફેમ 'ગુજ્જુ લવગુરુ' ચંદન રાઠોડના અકાળે અવસાન બાદ સુઈગામ ખાતે બેસણું યોજાયું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યમંત્રી સ્વરુપજી ઠાકોરે હાજરી આપી પરિવારને સાંત્વના પાઠવી હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 20 Sep 2026 11:36 AM (IST)Updated: Sun, 20 Sep 2026 11:36 AM (IST)
gujju-loveguru-chandan-rathod-passed-away-besanu-in-suigam-shankar-chaudhary-paid-tribute

Chandan Rathod Besanu: ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમો પર પોતાની આગવી ગામઠી શૈલી અને કોમેડીથી લાખો લોકોના દિલ જીતનારા 'ગુજ્જુ લવગુરુ તરીકે પ્રસિદ્ધ થયેલા ચંદન રાઠોડનું અકાળે અવસાન થતાં સમગ્ર પંથક અને ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. બનાસકાંઠાના ભાભર નજીક બનેલા કરુણ માર્ગ અકસ્માતમાં ચંદન રાઠોડનું નિધન થતાં ડિજિટલ મીડિયા જગત અને તેમના પરિવારે એક ઉમદા કલાકાર ગુમાવ્યો છે.

સુઈગામ ખાતે યોજાયું 'ગુજ્જુ લવગુરુ' નું બેસણું

મૂળ વાવ-થરાદ તાલુકાના સુઈગામના વતની ચંદન રાઠોડનું બેસણું આજ રોજ રવિવાર, 20 સપ્ટેમ્બરના રોજ યોજાયું છે. સુઈગામના રાધે કૃષ્ણ મંદિરની પાસે આવેલી બ્રાહ્મણવાસ શાળા ખાતે રાખવામાં આવેલા બેસણામાં સગા સંબંધીઓ, મિત્રો અને દૂર દૂરથી આવેલા હજારો ચાહકોએ ઉપસ્થિત રહી 'લવ ગુરુ'ને ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પી હતી.

બેસણામાં રાજકીય અગ્રણીઓએ આપી હાજરી

ગુજ્જુ લવગુરુના બેસણામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યમંત્રી સ્વરુપજી ઠાકોર પણ ખાસ હાજર રહ્યા હતા. તેઓએ સ્વર્ગસ્થ ચંદન રાઠોડના પરિવાર સાથે મુલાકાત લઈને સાંત્વના આપી હતી. તેમજ કઠિન સમયમાં પરિવાર પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.

ગામઠી શૈલી અને લોક બોલીથી મેળવી પ્રસિદ્ધી

સોશિયલ મીડિયા ઈન્ફ્યુએન્સર ચંદન રાઠોડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉત્તર ગુજરાતની સ્થાનિક રમૂજી શૈલી અને દેશી અંદાજથી લોકોમાં ખાસ ઓળખ મેળવી હતી. ગુજ્જુ લવગુરુના પાત્ર દ્વારા સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર્સ મેળવ્યા હતા અને લોકોના દિલોમાં આગવી જગ્યા બનાવી હતી. પરંતુ માત્ર અલ્પ આયુષ્યમાં લોકપ્રિયતા અને સફળતાના શિખરે પહોંચેલા ચંદન રાઠોડના આકસ્મિક નિધનથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.