અંબાજી ખાતે ભાદરવી પૂનમના ભવ્ય મહામેળાનો ભવ્ય પ્રારંભ: 'જય અંબે'ના નાદથી ગુંજી ઉઠશે માતાનો દરબાર, 30 લાખથી વધુ ભક્તો ઉમટશે

બનાસકાંઠાના અંબાજી ખાતે ભાદરવી પૂનમના ભવ્ય મહામેળાનો પ્રારંભ થયો છે. 20થી 26 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળમાં 30 લાખથી વધુ માઈ ભક્તો ઉમટવાની શક્યતા છે. સુરક્ષા માટે 5 હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 20 Sep 2026 09:06 AM (IST)Updated: Sun, 20 Sep 2026 09:06 AM (IST)
ambaji-bhadarvi-poonam-mela-2026-dates-security-and-30-lakh-devotees-expected

Ambaji Bhadarvi Poonam 2026: બનાસકાંઠા જિલ્લામાં સ્થિત સુપ્રસિદ્ધ શક્તિધામ અંબાજી ધામ ખાતે ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. લાખો માઈ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન મહામેળામાં ગુજરાતના ખૂણે ખૂણેથી લાખો ભક્તો પગપાળા અંબાજી ખાતે પહોચીને અંબે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવશે, તારીખ 20થી 26 સપ્ટેમ્બર સુધી ચાલનારા ધાર્મિક મહામેળાને લીધે અંબાજી શક્તિપીઠમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

ભાદરવી પૂનમના મેળામાં લાખો ભક્તો ઉમટશે

લાખોની સંખ્યામાં ભક્તજનો 'આયો ભાદરવો આયો મેળો અંબે માતનો' અને 'જય અંબે'ના ગગનભેદી નારા લગાવીને લાખો દર્શનાર્થીઓ અંબાજી ધામે આવશે, ભાદરવી પૂનમના મહામેળાનો વિધિવત્ત પ્રારંભ ચેરમેન કમ કલેકટર સહિતના અધિકારીઓ, અગ્રણીઓની ઉપસ્થતિમાં કરાશે, આ પ્રસગે મા અંબાની વિશેષ આરતી અને સેવા પૂજા કરાશે. અંબાજી યાત્રાધામે યાત્રિકોનું અભિવાદન કરીને મહામેળો પ્રારંભ કરાશે.

સાત દિવસ સુધી ચાલશે ભક્તિનો મહા મેળો

સાત દિવસીય મહામેળામાં લાખો પદયાત્રીઓની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને વિવિધ સરકારી વિભાગો સુસજ્જ બન્યા છે. તેજ મહામેળાના પ્રારંભ પૂર્વે તૈયાર કરાયેલા એક્શન પ્લાન પ્રમાણે કામગીરી કરાશે. ભાદરવી પૂનમના મહામેળાને વધાવવા માટે અંબાજી સહિત ગબ્બર સુધીમાં દિવ્ય અને ભવ્ય રોશનીનો શણગાર કરીને ઝળહળતો કરવામાં આવ્યો છે, અંબાજી ધામે સાત દિવસીય ભક્તિના મહામેળામાં ગુજરાત, રાજસ્થાન સહિત બીજા રાજ્યોના 30 લાખથી વધુ માઈ ભક્તો આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સુરક્ષા માટે 5 હજાર જવાનો તૈનાત રહેશે

શક્તિની ઉપાસનાના પવિત્ર પર્વ નવરાત્રિના નવ દિવસોમાં અંબે માતાજીને આમંત્રિત કરવા હજારો અને લાખોની સંખ્યામાં ભક્તજનો કઠિન પદયાત્રા કરીને આરાસુર અંબાજી ધામે પહોંચે છે. આ કઠિન ધાર્મિક યાત્રામાં લાખો ભક્તો ભક્તિ ભાવથી દુખ અને પીડા ભૂલીને અંબાજી જશે. સાત દિવસના મહા પર્વમાં ભક્તોને કોઈ પણ હાલાકી ન પહોંચે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

પોલીસ વ્યવસ્થાના ભાગરુપે અંદાજે 5 હજારથી વધુ સુરક્ષા જવાનો મહામેળામાં તૈનાત કરવામાં આવ્યા છે. અંબાજી ધામ ખાતે સાત દિવસીય ભાદરવી પૂનમના મેળામાં ભક્તો પગપાળા પહોંચીને માતા સમક્ષ શિશ ઝુકાવીને ધન્યતા અનુભવશે.