Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલ ગોવિંદા કેમ્પસ સ્થિત શ્રી રામ વિદ્યાલય પ્રાયમરી સ્કૂલ સામે અમદાવાદ ઝોન ફી નિયમન સમિતિ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ફી નિયમન કાયદાના ગંભીર ઉલ્લંઘન બદલ શાળાને રુ.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફી નિયમન કાયદો અમલમાં આવ્યા બાદ અત્યાર સુધીની આ સૌથી મોટી દંડનીય કાર્યવાહી હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
શ્રી રામ વિદ્યાલયને 15 લાખનો દંડ
પાલનપુરની શ્રીરામ વિદ્યાલયમાં ફી નિયમનના કાયદાનો ભંગ, નોટિસ બોર્ડ પર સૂચના ન આપવી, તેમજ કેશમાં રકમ સ્વીકરવા અંગેના ફી નિયમન એક્ટના નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. બાળકોના વાલીઓ દ્વારા એફઆરસીમાં પુરાવા સાથે શાળામાં ગેરરિતી આચરાતી હોવાની ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી. જેને લઈને FRC એ શાળા સામે કાર્યવાહી કરી છે.
સંચાલકોએ નિયમ ઉલ્લંઘનનો સ્વીકાર કર્યો
નિયમોના ઉલ્લંઘન મામલે શ્રીરામ વિદ્યાલયના સંચાલકોએ સુનાવણી દરમિયાન સ્વીકાર કર્યો હતો. કે, શાળા સંચાલક મંડળ દ્વારા વાલીઓ પાસે કોઈ પણ લેખિત સંમતિ વગર લંચ અને શૈક્ષણિક ગતિવિધિઓના નામે વધારાના પૈસા વસૂલાતા હતા. તેમજ શાળા સંચાલકો દ્વારા વાર્ષિક ફી વર્ષમાં ચાર ક્વાર્ટરને બદલે માત્ર બે ક્વાર્ટરમાં વસૂલાતી હતી.
15 દિવસમાં પૈસા ભરપાઈ કરવાનો આદેશ
વાલીઓની ફરિયાદ પ્રમાણે, શાળા દ્વારા વાલીઓ પાસેથી કેશમાં પૈસા લેવામાં આવતા હતા. તેમજ કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓના જણાવ્યા પ્રમાણે, ધો.11 અને 12 સાયન્સમાં પણ નિયમ વિરુદ્ધ જઈને વધારે ફી વસૂલાતી હતી. સમિતિએ આ મામલે દંડની રકમ 15 દિવસમાં જ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ ભરપાઈ કરી દેવાનો આદેશ આપ્યો છે.
