Gujju Loveguru Chandan Rathod Death: સોશિયલ મીડિયામાં 'ગુજ્જુ લવગુરુ' તરીકે જાણીતા સૂઈગામના વતની કોમેડી કિંગ એવા ચંદન રાઠોડનું બે દિવસ પહેલા ભાભર નજીક માર્ગ અકસ્માતમાં મોત નીપજતા તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. એવામાં હવે પરિવારજનોની ફરિયાદના આધારે ભાભર પોલીસે ઉચોસણ ગામના બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
'ગુજ્જુ લવગુરુ'નું બાઈક સામેથી આવતા બાઈક સાથે ભટકાયું હતુ
ગત 17 ઓક્ટોબરે બપોરે દોઢેક વાગ્યાની આસપાસ 'ગુજ્જુ લવગુરુ' ઉર્ફે ચંદન ધેગાભાઈ રાઠોડ પોતાનું બાઈક લઈને સૂઈગામ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન ભાભર-સૂઈગામ હાઈવે પર આવેલ હરિધામ ગૌશાળા નજીક ચંદન રાઠોડનું બાઈક સામેથી આવતા બાઈક (GJ-08-CL-4210) સાથે ધડાકાભેર ભટકાયું હતુ.
આ અકસ્માતમાં બાઈક પરથી પટકાયેલા ચંદન રાઠોડને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાભર સ્થિત રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસીને તેમને મૃત જાહેર કર્યાં હતા. આ ઘટનાની જાણ થતાં ચંદન રાઠોડના સગા સબંધીઓ સહિત ચાહકો મોટી સંખ્યામાં રેફરલ હોસ્પિટલ ઉમટી પડ્યા હતા.
જો કે અકસ્માત સ્થળે એક જ બાઈક મળી આવ્યું હોવાથી, જે-તે સમયે ચંદન રાઠોડનું બાઈક સ્લીપ થઈ ગયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતુ. આખરે આજે ચંદન રાઠોડની અંતિમ વિધિની તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને તેમના પરિવારજનો દ્વારા ભાભર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઉચોસણ ગામના બાઈક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ
આ ફરિયાદના આધારે ભાભર પોલીસે BNSની તેમજ મોટર વ્હીકલ એક્ટની અલગ-અલગ કલમો હેઠળ સૂઈગામ તાલુકાના ઉચોસણ ગામના બાઈક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
જેનો ભરોસો નથી તેનું નામ જિંદગી, જેનો 100 ટકા ભરોસો છે તેનું નામ મોત
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન ફૉલોઅર્સ ધરાવતા 'ગુજ્જુ લવગુરુ' ઉર્ફે ચંદન રાઠોડે અકસ્માતના થોડા કલાકો પહેલા જ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેઓએ 'જેનો કોઈ ભરોસો નથી,તેનું નામ છે જિંદગી અને જેનો 100 ટકા ભરોસો છે તેનું નામ મોત' પોસ્ટ મૂકી હતી. સંજોગોવસાત આ વીડિયો તેમનો આખરી પોસ્ટ બનીને રહી ગયો.
