Deesa Fake Currency Factory Seized: બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ડીસા તાલુકાના મહાદેવીયા ગામે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગત મોડીરાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે રૂપિયા 40 લાખથી વધુની નકલી નોટો અને તેને બનાવવા માટેના સાધનો જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, LCBને મહાદેવીયા ગામે ડુપ્લીકેટ નોટો બનાવવામાં આવતી હોવા અંગેની ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી. આ બાતમીના આધારે, 3 સપ્ટેમ્બરના રોજ મોડીરાત્રે LCBની ટીમે ગામમાં દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન, પોલીસને સ્થળ પરથી મોટા પ્રમાણમાં નકલી ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો હતો.
દરોડા દરમિયાન, પોલીસને રૂ. 40 લાખથી વધુની નકલી નોટો હાથ લાગી હતી. આ ઉપરાંત, નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતા પ્રિન્ટીંગ મશીનો અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા, જેમણે પ્રાથમિક પૂછપરછમાં નકલી નોટો છાપતા હોવાની કબૂલાત કરી હતી.
LCBની આ સફળ કામગીરીને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. આ પ્રકરણ અંગે વધુ વિગતો આપતાં જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, આ અંગે ટૂંક સમયમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે, જેમાં આ સમગ્ર મામલાની સત્તાવાર માહિતી પ્રસાર માધ્યમોને પૂરી પાડવામાં આવશે. પોલીસે આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.