ડીસામાં રૂ. 542 કરોડના ખર્ચે બનશે એશિયાની સૌપ્રથમ નાઈટ સફારી; 140 પરિવારોને નવા પ્લોટ મંજૂર

બનાસકાંઠાના જુનાડીસામાં રૂ. 542 કરોડના ખર્ચે એશિયાની સૌપ્રથમ નાઈટ સફારી બનશે. પ્રોજેક્ટ માટે 103 હેક્ટર જમીન ફાળવાઈ છે, જ્યારે 214 અસરગ્રસ્ત પરિવારો પૈકી 140 પરિવારોની વૈકલ્પિક પ્લોટની અરજીઓ મંજૂર થઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 25 Nov 2026 09:35 AM (IST)Updated: Wed, 25 Nov 2026 09:35 AM (IST)
deesa-night-safari-542-crore-project-140-families-new-plots

Deesa Night Safari Project: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ખાતે સાકાર થઈ રહેલો રૂ. 542 કરોડના ખર્ચે એશિયાનો સૌપ્રથમ નાઈટ સફારી પ્રાણી સંગ્રહાલય રાજ્ય સરકારનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ માટે સર્વે નંબર-24ની અંદાજે 103 હેક્ટર જમીન વન વિભાગને સુપ્રત કરવામાં આવી છે. જોકે, વિકાસની આ નવી તક સાથે વર્ષોથી વસવાટ કરતા 214 પરિવારોના ઘર અને આશ્રયનો પ્રશ્ન પણ જોડાયેલો હતો. ત્યારે કોઈ પરિવાર ઘરવિહોણો ન બને, કોઈને પોતાના ભવિષ્યની ચિંતા સતાવે નહીં અને વિકાસની પ્રક્રિયામાં કોઈનું જીવન અસરગ્રસ્ત ન થાય તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ અભિગમ અપનાવી અસરગ્રસ્ત પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

8 હેક્ટર જમીનમાં નવું ગામતળ મંજૂર

અસરગ્રસ્ત પરિવારોના ઘરનો આશ્રય જળવાઈ રહે અને તેઓ ભવિષ્યમાં ઘરવિહોણા ન બને તેવા માનવીય અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા અંદાજે 8 હેક્ટર જમીનમાં નવું ગામતળ મંજૂર કરવામાં આવ્યું છે. વૈકલ્પિક પ્લોટની કાયદેસરની ફાળવણી માટે વહીવટી તંત્ર દ્વારા લાયકાત ધરાવતા લાભાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં કુલ 180 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ હતી. તાલુકા કક્ષાની લેન્ડ કમિટીની બેઠકમાં અરજીઓની યોગ્ય ચકાસણી કરીને તેમાંથી 140 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મંજૂર થયેલા લાભાર્થીઓને સત્તાવાર સનદો એનાયત કરીને તેમને પોતાના પરિવારના સુરક્ષિત ભવિષ્ય અને કાયમી આશ્રયની નવી આશા આપવામાં આવશે.

ડીસા શહેરનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ

ડીસા પ્રાંત અધિકારી ડૉ.કે. જે.ગઢવીએ જણાવ્યું હતું કે, ડીસા ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક અને નાઈટ સફારી પ્રોજેક્ટ માટે જૂના ડીસાના સર્વે નંબર-24ની અંદાજે 103 હેક્ટર જમીન વન વિભાગને સુપ્રત કરવામાં આવી છે. ગુજરાત સરકારનો આ અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ રૂ. 542 કરોડથી વધુના ખર્ચે સાકાર થવા જઈ રહ્યો છે, જેનાથી ડીસાનો ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થશે.

હાલમાં પ્રોજેક્ટ અંતર્ગત પ્રાથમિક તબક્કે બાઉન્ડ્રી વોલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ જમીન પર કુલ 214 દબાણો પૈકી 185 કાચા-પાકા મકાનો અને 29 ખુલ્લા પ્લોટનો સમાવેશ થાય છે. આ તમામ દબાણદારોને લેન્ડ રેવન્યુ કોડની કલમ-61 હેઠળ મામલતદાર, ડીસા ગ્રામ્ય દ્વારા કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી છે.

140 અરજીઓ મંજૂર કરવામાં આવી

પ્રાંત અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન કોઈપણ અસરગ્રસ્ત પરિવાર ઘરવિહોણો ન બને અને તેમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ અને સહાનુભૂતિપૂર્ણ અભિગમ અપનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત જૂના ડીસા ખાતે જ અંદાજે 8 હેક્ટર જમીનમાં નવું ગામતળ નીમ કરવામાં આવ્યું છે. વૈકલ્પિક પ્લોટની ફાળવણી માટે 180થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી તાલુકા કક્ષાની લેન્ડ કમિટીમાં ચકાસણી બાદ 140 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મંજૂર થયેલા તમામ લાભાર્થીઓને બુધવાર સુધીમાં પ્લોટની સત્તાવાર સનદો ઇશ્યૂ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.