ડીસા GIDCમાં ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, રૂપિયા 2.45 લાખનો 3,571 કિલો શંકાસ્પદ મરચાંનો જથ્થો જપ્ત, 2500 કિલો નાશ કરાયો

ડીસા GIDCમાં મેસર્સ દર્શન માર્કેટિંગ પર ફૂડ સેફ્ટી વિભાગના દરોડા. કૃત્રિમ રંગ અને ઘઉંના ભૂસાની ભેળસેળવાળો 3,571 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી 2,500 કિલો લૂઝ મરચું નાશ કરાયું.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 24 Aug 2026 04:42 PM (IST)Updated: Mon, 24 Aug 2026 04:42 PM (IST)
deesa-food-safety-raid-3571-kg-adulterated-chili-powder-seized

Palanpur Food Safety Raid: જાહેર જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસા ખાતે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 23 ઓગસ્ટ, 2026ના રોજ ડેઝિગ્નેટેડ ઓફિસર ટી. એચ. પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડીસા GIDC પ્લોટ નંબર 51 ખાતે આવેલી 'મેસર્સ દર્શન માર્કેટિંગ' પેઢી પર દરોડો પાડવામાં આવ્યો હતો.

કૃત્રિમ રંગ અને ઘઉંના ભૂસાની ભેળસેળ ખુલ્લી પડી

તપાસ દરમિયાન પેઢીના માલિક શિવમ સંજયકુમાર મહેસુરીયા દ્વારા મરચું પાવડરના ઉત્પાદનમાં કૃત્રિમ રંગ (ડાઈ), ઘઉંનું ભૂસું અને ધાણા પાવડર જેવા પદાર્થોની ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર એચ. વી. ગુર્જર, ફૂડ સેફ્ટી ઓફિસર એમ. એલ. ગુર્જર તથા કે. કે. ચૌધરી દ્વારા સ્થળ પર સઘન તપાસ કરવામાં આવી હતી.

'મેજિક બોક્સ' દ્વારા પ્રાથમિક ચકાસણી

દરોડા દરમિયાન ફૂડ સેફ્ટી વાનના કેમિસ્ટ પી. એમ. ચૌધરીએ 'મેજિક બોક્સ' સાધન દ્વારા કરેલી પ્રાથમિક તપાસમાં જ મરચું પાવડરના નમૂનાઓમાં કૃત્રિમ રંગની હાજરી મળી આવી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ સ્થળ પરથી મરચું પાવડર, ઘઉંનું ભૂસું, ધાણા પાવડર અને કલર પાવડર સહિત કુલ 9 શંકાસ્પદ નમૂનાઓ લેબોરેટરી ચકાસણી માટે લેવામાં આવ્યા છે.

જપ્ત તથા નાશ કરાયેલ જથ્થાની વિગત

જપ્ત કરાયેલ જથ્થો: અંદાજે ₹2.45 લાખની કિંમતનો 3,571 કિલોગ્રામ શંકાસ્પદ માલ જપ્ત કરાયો.

નાશ કરાયેલ જથ્થો: પેઢીમાંથી મળી આવેલો અંદાજે 2,500 કિલોગ્રામ એક્સપાયરી તથા બિન-આરોગ્યપ્રદ લૂઝ મરચું પાવડર ડમ્પિંગ સાઇટ ખાતે તાત્કાલિક નાશ કરાયો.

આમ, કુલ 6,071 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થા સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.