Deesa Food Department Raid: લોકોના સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપતાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર વર્તુળ કચેરીએ ડીસાના લાટી બજાર, જૂના પાવર હાઉસ વિસ્તારમાં ખાદ્યચીજોનું ઉત્પાદન અને વેચાણ કરતી બે પેઢીઓ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
ફૂડ શાખાની ટીમે હાથ ધરેલી તપાસ દરમિયાન મે. એસ.વી. માર્કેટિંગ ખાતેથી ‘સંયમ દેશી ઘી’નો તથા મે. હાસ્ય ફૂડ પ્રોડક્ટ્સ ખાતેથી ‘ગૌરસ કાઉ ઘી’નો જથ્થો મળી આવ્યો હતો. બંને પેઢીઓ ખાતે ઘીની ગુણવત્તા શંકાસ્પદ જણાતાં નિયમાનુસાર નમૂનાઓ પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યા હતા અને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
બે પેઢીઓમાંથી 7 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
તપાસ દરમિયાન મે. એસ.વી. માર્કેટિંગ, ડીસા ખાતેથી ‘સંયમ દેશી ઘી’ના નમૂના લીધા બાદ બાકી રહેલો 839 લિટર જથ્થો, જેની અંદાજિત કિંમત ₹5,45,350 થાય છે, જ્યારે મે. હાસ્ય ફૂડ પ્રોડક્ટ્સ ખાતેથી ‘ગૌરસ કાઉ ઘી’ના નમૂના લીધા બાદ બાકી રહેલો 389 લિટર જથ્થો, જેની અંદાજિત કિંમત રુ 2,33,400 થાય છે, તે સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો હતો. આમ, બંને પેઢીઓમાંથી કુલ 1,228 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો, જેની કુલ અંદાજિત કિંમત ₹7,78,750 થાય છે, જપ્ત કરવામાં આવ્યો છે.
ડીસાની બે પેઢીઓ સામે કાર્યવાહી
આ સમગ્ર મામલે સંબંધિત જવાબદાર વ્યક્તિઓ સામે ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006’ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી જળવાઈ રહે તેમજ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી તપાસ અને કાર્યવાહી સતત હાથ ધરવામાં આવી રહી છે. જાહેર જનતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા તથા ભેળસેળયુક્ત કે શંકાસ્પદ ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા તત્ત્વો સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
