મજૂરીથી સોશિયલ મીડિયા સ્ટાર સુધી: ‘ગુજ્જુ લવ ગુરુ’ બનતા પહેલા ચંદન રાઠોડે જોયો હતો સંઘર્ષ, પિતાએ વાગોળી દીકરાની કઠિન સફર

‘ગુજ્જુ લવ ગુરુ’ ચંદન રાઠોડે સોશિયલ મીડિયા સ્ટાર બનતા પહેલા અનેક સંઘર્ષો જોયા હતા. પિતા ઘેગાજી રાઠોડે દીકરાની મજૂરીથી સફળતા સુધીની સફર અને અંતિમ દિવસની યાદો વાગોળી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 20 Sep 2026 01:26 PM (IST)Updated: Sun, 20 Sep 2026 01:26 PM (IST)
chandan-rathod-gujju-love-guru-struggle-story-father-emotional-journey-social-media-star

Chandan Rathod Struggle Story: ગુજરાતી ડિજિટલ મીડિયા અને ઈન્સ્ટાગ્રામ પર પોતાની આગવી ગામઠી શૈલી અને કોમેડીથી લાખો લોકોના દિલ પર રાજ કરનારા ચંદન રાઠોડ (ગુજ્જુ લવ ગુરુ)નું 17 સપ્ટેમ્બરના રોજ ગંભીર માર્ગ અકસ્માતમાં નિધન થયુ છે. જ્યારે 'ગુજ્જુ લવ ગુરુ'ના સમાચાર સામે આવતા પરિવાર અને ફેન્સમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે. લોકોને હસાવનારા ગુજ્જુ લવ ગુરુની સફળતા પાછળ અત્યંત કઠિન સંઘર્ષ છુપાયેલો હતો. તેમના પિતા ઘેગાજી રાઠોડે દિકરા ચંદન રાઠોડના જીવનના સંઘર્ષના સંસ્મરણો વાગોળ્યા હતા.

'ગુજ્જુ લવ ગુરુ'ના પિતાના મુખે સંઘર્ષની વાત

પોતાના પુત્રના અકાળે નિધનથી દુ:ખી પિતા ઘેગાજી રાઠોડના જણાવ્યા મુજબ, જ્યારે ચંદન શરુઆતમાં વીડિયો શૂટ કરતો. ત્યારે પરિવાર આ કામ અને તેની કમાણીથી એકદમ અજાણ હતો. ભૂતકાળને વાગોળતા તેમણે જણાવ્યું કે, મે મારા દીકરાને કહેલું દીકરા આ વીડિયો બનાવવાનું કામ તારુ નથી. આ કામથી તે 25 રુપિયા પણ નહીં મળે. પરંતુ ચંદને પોતાની જીદ પર અડગ રહીને પોતાની મહેનત ચાલુ રાખી હતી. અંતમાં તેની મહેનત રંગ લાવીને તે 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે પ્રખ્યાત થયો.

વિડંબના એ હતી કે, સમગ્ર ગુજરાતમાં ગુજ્જુ લવ ગુરુના વીડિયો ધૂમ મચાવતા. પરંતુ તેના પિતાએ જ ક્યારેય દીકરાના વીડિયો નહોતા જોયા. તેવું પિતા ઘેગાજીએ જણાવ્યું. પોતાના પુત્રની સંઘર્ષના દિવસોને જણાવતાં ઘેગાજીએ કહ્યું કે, ડિજિટલ પ્લેટફોર્મ પર સફળતા પહેલા ચંદને આજીવિકા માટે ઘણું ભટકવું પડ્યું હતું.

વ્યાજે પૈસા લઈને કોલકાતાથી દીકરો લાવ્યા

આર્થિક સંકડામણને લીધે 6 વર્ષ પહેલા ચંદન રાઠોડ મોરબી ગયો. ત્યાં એક પરિચિતની મદદથી કોલકાતા નોકરીએ ગયો. પિતા ઘેગાજીના જણાવ્યા પ્રમાણે, ચંદન કોલકાતામાં આશરે 4થી 6 માસ જેટલો રહ્યો. પરંતુ ત્યાં પરિસ્થિતિ અનુકૂળ ન જણાતાં હું વ્યાજે પૈસા લઈને દીકરા પાસે કોલકાતા ગયો હતો. મેં તેને કહ્યું કે, બેટા અહીં તને રુપિયો નહીં મળે ઘેર પાછો ફરીને મજૂરી કર... જ્યાં પિતાની વાત માની ચંદન ઉર્ફે ગુજ્જુ લવ ગુરુ પાછા ફર્યા હતા. 

કાકા હવે તમારે મજૂરી કરવાની જરૂર નથી

યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર વીડિયોમાંથી કમાણી શરુ થયા બાદ ચંદન રાઠોડે સૌથી પહેલું કામ પોતાના પરિવારને આર્થિક રીતે પગભર કરવાનું કર્યું હતું. ઘેગાજી રાઠોડે ભાવુક થઈને કહ્યું કે, અમે પૂરી જિંદગી મજૂરી કામ કરી. પરંતુ ચંદને કમાણી શરુ કરી તો મારી મજૂરી બંધ કરાવી. છેલ્લા 2 વર્ષમાં તેણે મને પાણીનો લોટો ઉંચકવા દીધો નથી. તે મને કાયમ કહેતો કે, કાકા હવે તમારે મજૂરીએ જવાની કોઈ જરુર નથી. ભગવાને આપણને ઘણુ બધુ આપ્યુ્ં છે. તે પોતે કમાતો તેનો બધો હિસાબ ઘરમાં આપતો. જરુર પડેતો મારી પાસે પૈસા લઈ જતો.

અકસ્માતના દિવસે શું બન્યું

અકસ્માતના કાળમુખા દિવસ અંગે પિતાએ જણાવ્યું કે, 17 સપ્ટેમ્બરના રોજ જેવો ચંદન શૂટિંગ માટે નીકળ્યો ત્યારે મે પૂછ્યું દીકરા કયાં શુટિંગ કરવા જવાના છો? તેણે હસીને જવાબ આપેલો કે, કાકા બે વાગ્યા સુધીમાં ઘરે આવી જઈશ.

પરંતુ નસીબમાં કઈક અલગ જ લેખ લખાયો હતો. બપોરે એક વાગ્યે ફોન આવ્યો કે, ગંભીર અકસ્માતમાં તેનુ મોત નિપજ્યું છે. આમ અમારા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો.