Chandan Rathod Death: સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવગુરુ' તરીકે જાણીતા અને લાખો લોકોને હસાવનારા લોકપ્રિય કલાકાર ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં નિધન થયા બાદ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં શોકનું વાતાવરણ છે. સીમાવર્તી ગામ સુઈગામ ખાતે યોજાયેલા તેમના બેસણામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, સાંસદ ગેનીબેન ઠાકોર અને સ્થાનિક અગ્રણીઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા.
કોઈની ટીકા કર્યા વિના હાસ્ય પિરસનાર કલાકાર: શંકર ચૌધરી
ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપતાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ભાવુક થઈ ગયા હતા. તેમણે ચંદન રાઠોડને 'વગડાનું ફૂલ' અને બાવળોની વચ્ચે તૈયાર થયેલું ચંદન ગણાવ્યા હતા. શંકર ચૌધરીએ જણાવ્યું કે, સરહદી ગામ સુઈગામમાંથી આવીને ચંદન રાઠોડે નાની ઉંમરે સમગ્ર રાજ્ય અને દેશમાં પોતાની કલા અને સાહિત્યની સુવાસ ફેલાવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, આજકાલ સોશિયલ મીડિયા પર લોકો એકબીજાની ટીકા કરીને કે વલ્ગરનેસ ફેલાવીને વ્યુઅર્સ મેળવતા હોય છે, જ્યારે ચંદન રાઠોડે કોઈની પણ ટીકા કર્યા વિના, પોતે પોતાની ઉપર ટીકા માથે લઈને પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવું સ્વચ્છ અને પોઝિટિવ હાસ્ય લોકોને આપ્યું હતું. ગામડાના ખેડૂત અને સામાન્ય પરિવારનું જીવન કેવું હોય છે. તે વાતો તેમણે અત્યંત સહજતાથી લોકો સુધી પહોંચાડી હતી.
હજારોની જનમેદની ઉમટી, પરિવારને એકલા નહીં પડવા દઈએ
બેસણામાં ઉમટી પડેલી હજારોની જનમેદનીને જોઈને તેમણે કહ્યું કે, લોકોના હૃદયમાં પોઝિટિવનેસ અને સાહિત્યથી પણ સ્થાન બનાવી શકાય છે તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. ચંદન રાઠોડ એક સેવાભાવી કલાકાર તરીકે પોતાના વિસ્તારમાં પ્રખ્યાત હતા.
પરિવાર પર આવી પડેલી આ દુઃખની ઘડીમાં શંકર ચૌધરીએ ખાતરી આપી હતી કે, પરિવારને ક્યારેય એકલા પડવા દેવામાં નહીં આવે. રામસંગજી વિહાજી સહિતના સ્થાનિક આગેવાનો સાથે વાતચીત કરીને તેમની દીકરીઓના ભવિષ્ય અને પ્રસંગોમાં પૂરો સાથ આપવામાં આવશે. આ સાથે જ અકસ્માતની ઘટનાને ધ્યાને રાખીને તેમણે લોકોને પોતાના પરિવારની સુરક્ષા માટે ફરજિયાત હેલમેટ પહેરવાની પણ ખાસ અપીલ કરી હતી.
