Gujju Love Guru: શું 'ગુજ્જુ લવ ગુરુ' ની માતાને ખબર છે કે તેમના દિકરાનું નિધન થયું? જાણો શું કહ્યું

ચંદન રાઠોડના માતા હેતલબેન મગજની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે, જેને કારણે પરિવારજનોએ તેમના પર લાગેલા આ આઘાતજનક સમાચાર હજુ સુધી તેમનાથી છુપાવી રાખ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 22 Sep 2026 11:08 AM (IST)Updated: Tue, 22 Sep 2026 11:08 AM (IST)
chandan-rathod-gujju-love-guru-mother-hetalben-unaware-son-death-emotional-story
ગુજ્જુ લવ ગુરુ

Gujju Love Guru Mother: સોશિયલ મીડિયા પર લાખો લોકોને હસાવનારા બનાસકાંઠાના લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર ચંદન રાઠોડ ઉર્ફે 'ગુજ્જુ લવ ગુરુ' (Gujju Love Guru) ના અકાળે થયેલા અવસાનથી સમગ્ર ઉત્તર ગુજરાત અને તેમના ચાહકોમાં શોકની કાલિમા છવાયેલી છે. આ કરૂણ હોનારત વચ્ચે સ્વ. ચંદન રાઠોડના પરિવારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને આંખમાં આંસુ લાવી દે તેવી વિગત સામે આવી છે. ચંદન રાઠોડના માતા હેતલબેન મગજની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે, જેને કારણે પરિવારજનોએ તેમના પર લાગેલા આ આઘાતજનક સમાચાર હજુ સુધી તેમનાથી છુપાવી રાખ્યા છે.

દિકરો ઘરે આવે ત્યારે જ જમતા હતા માતા

સ્થાનિકો અને પરિવારજનોના જણાવ્યા અનુસાર, ચંદન રાઠોડ અને તેમના માતા હેતલબેન વચ્ચે એક અનોખો માતૃપ્રેમનો નાતો હતો. ચંદન રાઠોડ જ્યારે પણ બહારથી કામ પતાવીને ઘરે પાછા આવતા, ત્યારે જ તેમના માતા જમવા બેસતા હતા. જો ચંદનભાઈને ઘરે આવવામાં થોડું પણ મોડું થતું, તો હેતલબેન અસ્વસ્થ થઈ જતા અને આડોશી-પાડોશી પાસે ફોન કરાવીને પૂછાવતા કે 'દિકરો ક્યારે ઘરે આવશે?'. એટલું જ નહીં, પુત્ર હેમખેમ ઘરે ન પહોંચે ત્યાં સુધી તેઓ ગામના મંદિરે જઈને માનતાઓ રાખતા હતા.

'સવારે બાઈક લઈને નીકળ્યો હતો, પછી શું થયું ખબર નથી': માતા

પોતાના વહાલસોયા પુત્રના અવસાનથી સાવ અજાણ હેતલબેને પોતાની ભોળી શૈલીમાં વિશેષ વિથ દિનેશના ફાઉન્ડ દિનેશ સિંધવ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ચંદન સવારે ઘરેથી બાઈક લઈને નીકળ્યો હતો. તે ભાભર જતો હતો કે અન્ય ક્યાંય તે મને ખબર નથી, અને રસ્તામાં તેને ત્યાં શું થયું તેની પણ મને જાણ નથી." પોતાના કાળજાના ટુકડા જેવા દિકરાના જવાથી અજાણ માતા આજે પણ ચંદનનો માર્ગ જોઈ રહ્યા છે, જેને જોઈને ઘરે આવતા-જતા સંબંધીઓ અને ગ્રામજનોના હૃદય પણ દ્રવી ઉઠ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ચંદન રાઠોડના આકસ્મિક નિધન બાદ સુઈગામ સ્થિત તેમના નિવાસસ્થાને બેસણા દરમિયાન રાજકીય અગ્રણીઓ, લોકગાયકો અને સામાજિક આગેવાનો પહોંચ્યા હતા, પરંતુ માતાની કરૂણ સ્થિતિ જોઈને સૌ કોઈ ભાવુક બની ગયા હતા.