'મારા પતિ સાથે દગો થયો છે, છેતરીને મારી નંખાયા': 'ગુજ્જુ લવ ગુરુ'ના પત્નીનો આરોપ; 'મારા બાળકોનો આધાર છીનવાઈ ગયો'

ચંદન રાઠોડના પત્નીના આ ગંભીર આરોપો બાદ હવે આ કેસમાં કાવતરા અને છેતરપિંડીની આશંકાઓ વધુ પ્રબળ બની છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 22 Sep 2026 11:43 AM (IST)Updated: Tue, 22 Sep 2026 11:43 AM (IST)
chandan-rathod-gujju-love-guru-wife-vimlaben-allegations-foul-play-murder
ચંદન રાઠોડ પત્ની વિમલાબેન

Gujju Love Guru Wife: સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવ ગુરુ' (Gujju Love Guru) ના નામે જાણીતા અને લાખો લોકોને હસાવનારા બનાસકાંઠાના લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર ચંદન રાઠોડના આકસ્મિક અને શંકાસ્પદ સંજોગોમાં થયેલા નિધન બાદ ભારે અરેરાટી વ્યાપી ગઇ છે. 'વિશેષ વિથ દિનેશ'ના ફાઉન્ડર દિનેશ સિંધવ સાથેની વિશેષ વાતચીતમાં સ્વ. ચંદન રાઠોડના પત્ની વિમળાબેને અત્યંત ગંભીર આરોપો લગાવતા દાવો કર્યો છે કે તેમના પતિ સાથે મોટો દગો થયો છે અને કોઈકે તેમને છેતરીને મારી નાખ્યા છે.

'હું હમણાં શૂટિંગ પતાવીને આવું છું કહીને નીકળ્યા હતા'

પોતાનું દર્દ ઠાલવતા વિમળાબેને જણાવ્યું હતું કે, "તેઓ ઘરેથી સાવ સાજા-નરવા અને કમ્પલેટ નીકળ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે હું શૂટિંગ પતાવીને હમણાં જ પાછો આવું છું. તેરવાડા પહોંચ્યા ત્યારે પણ તેમણે મને ફોન કરીને કહ્યું હતું કે 'જમવાનું બનાવીને રાખજે, હું ઘરે આવું છું.' પણ ત્યાંથી આવતી વખતે આ આખી ઘટના બની ગઈ. તેઓ ઘણી વખત રાતે મોડા આવતા હતા છતાં કંઈ થતું નહોતું, પહેલાં પણ કેટલીય વાર બાઈક પરથી પડ્યા છે પણ આવું ક્યારેય નથી થયું. કોઈકે તેમની સાથે મોટી છેતરપિંડી કરી છે, તેમને છેતરીને મારવામાં આવ્યા છે. બાકી મારા પતિને કંઈ થાય જ નહીં. આજે મારા બે નાના બાળકો અને મારો મુખ્ય આધાર છીનવાઈ ગયો છે."

પૈસાનો મોહ નહોતો, ઘર અને બહારના લોકોને મદદ કરતા

પતિના સ્વભાવ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, "તેઓ ખૂબ જ દયાળુ અને સારા માણસ હતા. અમારા લગ્નને આટલા વર્ષો થયા પણ ક્યારેય અમારી વચ્ચે ઝઘડો નહોતો થયો. અમે જે માંગતા તે લાવી આપતા અને બહારના લોકોને પણ મદદ કરતા. લગ્ન પછી તેમણે વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું અને તે સમયે તેઓ મોરબી રહેતા હતા. ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી હું પણ વિડીયો બનાવવાથી ખુશ હતી. તેમને પૈસાનો કોઈ મોહ નહોતો, કમાયેલા બધા પૈસા ઘરે આપી દેતા અને બહાર જવું હોય તો પેટ્રોલના પૈસા પણ ઘરેથી લઈને જતા હતા."