Gujju Love Guru Accident: મોત પહેલા ગુજ્જુ લવગુરુની પેટ્રોલપંપ કર્મી સાથે શું વાત થઈ હતી? સામે આવી છેલ્લી ક્ષણોની કહાની

ગુજરાતના લોકોના દિલોને જીતનારા જાણીતા કન્ટેન્ટ ક્રિએટર 'ગુજ્જુ લવ ગુરુ' ઉર્ફે ચંદન રાઠોડના મોત અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 24 Sep 2026 04:00 PM (IST)Updated: Thu, 24 Sep 2026 04:00 PM (IST)
chandan-rathod-aka-gujju-love-guru-accident-case-updates-his-last-conversation-with-a-petrol-pump-employee-revealed

Gujju Love Guru Accident Updates: રમૂજી અને દેશી સ્ટાઈલના કોમેડી વીડિયો બનાવીને ગુજરાતના લોકોના દિલોને જીતનારા જાણીતા કન્ટેન્ટ ક્રિએટર 'ગુજ્જુ લવ ગુરુ' ઉર્ફે ચંદન રાઠોડના મોત અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. 17 સપ્ટેમ્બરના રોજ વીલેજ બોય ટીમ સાથે શૂટિંગ પૂરુ કરીને પરત ફરતી વખતે એક માર્ગ અકસ્માતમાં તેમનું નિધન થયું હતું. અકસ્માત પહેલા પેટ્રોલ પંપ પર બનેલી એક ઘટનાએ લોકોને સ્તબ્ધ કરી દીધા છે. પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે તેમની છેલ્લી વાતચીત અંતિમ ક્ષણ બનીને રહી ગઈ હતી.

શું બન્યું હતું પેટ્રોલ પંપ પાસે?

હરિધામ આશ્રમ પાસે અકસ્માત થતાં પહેલાં ચંદન રાઠોડ પોતાની બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે એક સ્થાનિક પેટ્રોલ પંપ પાસે રોકાયા હતા. પેટ્રોલ પંપના કર્મચારી નરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, ગુજ્જુ લવ ગુરુએ રુ.200નુ પેટ્રોલ પુરાવીને ફોન પેના માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું .તે સમયે 'ગુજ્જુ લવ ગુરુ' ઉર્ફે ચંદન રાઠોડે પોતાના મો પર રુમાલ બાંધ્યો હતો, તેથી પેટ્રોલ પંપના કર્મચારીઓ તેમને ઓળખી શક્યા નહોતા. પેટ્રોલ પુરાવ્યા બાદ તેઓ રવાના થવા ગયા, ત્યારે તેમની બાઈક બંધ પડી ગઈ. ચંદન જેવો બાઇક પર બેસીને ધક્કો મારીને રોડ તરફ જઈ રહ્યા હતા.

'ગુજ્જુ લવ ગુરુ'એ પંપ કર્મચારીને શું કહ્યું?

પેટ્રોલ પંપના કર્મચારી વિષ્ણુ ઠાકોર પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, તેમની બાઈક બંધ પડી ગઈ હતી. આથી વિષ્ણુ ઠાકોરે આગળ આવીને ગુજજુ લવ ગુરુની બાઇકને કીક મારીને સ્ટાર્ટ કરી આપી હતી. બાઇક ચાલુ થતાં જ ચંદને રુમાલ હટાવીને વિષ્ણુનો આભાર માન્યો અને થેંક્યુ કહ્યું હતું. તેમજ વિષ્ણુ ઠાકોર સાથે એક વીડિયો બનાવવાનું વચન આપ્યું હતું .પરંતુ મોડું થતું હોવાથી તેઓ ત્યાંથી ભાભર તરફ નીકળી ગયા હતા.

જો બાઈક ચાલુ ન થયુ હોય તો કદાચ જીવીત હોત-પેટ્રોલપંપ કર્મી

અન્ય કર્મચારી નરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આ ઘટના બાદ પેટ્રોલ પંપ કર્મચારીઓને સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયા પરથી ખબર પડી કે, જે વ્યક્તિની બાઇક તેમણે સ્ટાર્ટ કરી આપી હતી.તે બીજું કોઈ નહીં પણ ગુજરાતના લોકપ્રિય કલાકાર ગુજ્જુ લવ ગુરુ હતા. જો તે સમયે બાઈક સ્ટાર્ટ ન થયું હોય તો આજે કદાચ ચંદન રાઠોડ જીવિત હોત.

ગુજરાતભરના ચાહકોમાં શોકની લાગણી

'ગુજ્જુ લવ ગુરુ' ઉર્ફે ચંદન રાઠોડનું જીવન ખૂબ જ સંઘર્ષમય રહ્યું હતું. રોજગારી માટે મોરબી ગયાને ત્યાં સિરામીકમાં કામ કર્યું. પરંતુ પોતાના મનમાં કંઈક અલગ કરવાની ઇચ્છા અને કોમેડી ક્ષેત્રમાં રસ હોવાથી વતન પાછા ફર્યા. તેમજ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવાનું શરુ કર્યું. ટૂંક સમયમાં તેઓ પોતાની દેશી કોમેડીથી 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતા બન્યા હતા. 'ગુજ્જુ લવ ગુરુ'ના નિધન સમયે ઈન્સ્ટાગ્રામ પર 18 લાખથી વધુ ફોલોઅર્સ અને યુટ્યુબ પર 10 લાખથી વધુ સબ્સક્રાઈબર્સ હતા. તેમના અચાનક ચાલ્યા જવાથી ગુજરાતભરમાં તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.