‘એણે રૂપિયો પોતાની પાસે ન રાખ્યો, કમાયેલા પૈસા મને આપી દેતો’: જાણો ગુજ્જુ લવ ગુરુના પિતા ધેગાજી રાઠોડે શું કહ્યું?

ધેગાજી રાઠોડે પોતાના પરિવારની આર્થિક સ્થિતિ અને ચંદનના સંઘર્ષને યાદ કરતાં જણાવ્યું હતું કે, તેમની પાસે ખૂબ જ ઓછી જમીન હોવાથી તેઓ ભાગે ખેતી અને મજૂરી કામ કરતા હતા. ઘરમાં ભારે આર્થિક તકલીફો વચ્ચે ચંદને 10મું ધોરણ પૂરું કર્યું હતું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 23 Sep 2026 03:06 PM (IST)Updated: Wed, 23 Sep 2026 03:06 PM (IST)
gujju-love-guru-chandan-rathod-father-statement-struggle-emotional
ગુજ્જુ લવ ગુરુ (AI photo)

Gujju Love Guru Father Statement: સોશિયલ મીડિયા પર પોતાની આગવી કોમેડીથી કરોડો લોકોના દિલ જીતનારા અને તાજેતરમાં માર્ગ અકસ્માતમાં કરૂણ મોતને ભેટનારા ‘ગુજ્જુ લવ ગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડના પિતા ધેગાજી રાઠોડે પોતાના પુત્રના જીવન, સંઘર્ષ અને તેની ઉદારતા વિશે મીડિયા સાથે વાતચીત કરતી વખતે અત્યંત ભાવુક વિગતો શેર કરી છે.

પરિવારને મદદ કરતા ભણતર છોડ્યું

ધેગાજી રાઠોડે પોતાના પરિવારની આર્થિક સ્થિતિ અને ચંદનના સંઘર્ષને યાદ કરતાં જણાવ્યું હતું કે, તેમની પાસે ખૂબ જ ઓછી જમીન હોવાથી તેઓ ભાગે ખેતી અને મજૂરી કામ કરતા હતા. ઘરમાં ભારે આર્થિક તકલીફો વચ્ચે ચંદને 10મું ધોરણ પૂરું કર્યું હતું. પરિવારને મજૂરી કરતા જોઈને તેણે 11મા ધોરણમાં અભ્યાસ છોડી દીધો હતો. ત્યારબાદ તે કામકાજ અર્થે મોરબી ગયો હતો, જ્યાં તેણે ટાઇલ્સ ફેક્ટરીમાં સખત મજૂરી કામ કર્યું હતું. મોરબી બાદ તે કલકત્તા પણ ગયો હતો અને બાદમાં પરત આવીને શૂટિંગ કરવાનો પ્રારંભ કર્યો હતો.

શરુઆતમાં લોકો તેની ટીકા કરતા હતા

શરૂઆતમાં પરિવાર અને આસપાસના લોકોને લાગતું હતું કે આ વીડિયો બનાવવાનો ધંધો નકામો છે અને લોકો તેની ટીકાઓ પણ કરતા હતા. પરંતુ ચંદને તમામ અવગણનાઓ વચ્ચે પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું હતું અને પોતાની મહેનતના બળે સફળતા મેળવી હતી.

પૈસા કમાઇને તેના પિતાને આપતો

પુત્રની ઉદારતા યાદ કરતાં પિતાએ આંસુ ભરેલી આંખે જણાવ્યું કે, ચંદન કમાતો થયો છતાં તેણે ક્યારેય એક પણ રૂપિયો પોતાની પાસે રાખ્યો નહોતો. બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની સમજ હોવા છતાં, તે પોતાની તમામ કમાણી પિતાને સોંપી દેતો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે પિતા પાસેથી જ પૈસા માગીને વાપરતો હતો.

લંપી વાયરસ વખતે ગાયોની સેવા કરી

આ ઉપરાંત, ચંદનની ગૌસેવાને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, લંપી વાયરસના કપરા સમયમાં તેણે આખી ટીમ બનાવીને રાત-દિવસ ગાયો માટે લાડુ બનાવવાથી લઈને પ્રાથમિક સારવાર અને મૃત ગાયોની વિધિવત દફનવિધિ સુધી સતત એક મહિનો સેવા કરી હતી. કમનસીબે, જે હરિધામ ગૌશાળાની તેમણે સેવા કરી હતી તેની જ બાજુમાં અકસ્માત સર્જાતાં તેમણે પ્રાણ ગુમાવ્યા છે. આજે આખું ગુજરાત તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યું છે.