ભાદરવી પૂનમ મહામેળો-2026: મા અંબાના દિવ્ય રથ પર ડ્રોનથી પુષ્પવર્ષા કરી ભવ્ય વધામણાં, અંબાજી ધામે મેળાનો ભવ્ય પ્રારંભ

મહાનુભાવો દ્વારા રથને ખેંચીને ઉદ્ઘાટન ડોમ સુધી લઈ જવાયો હતો. ઉદ્ઘાટન ડોમ ખાતે મા અંબાની આરતી અને પૂજન સાથે મહામેળાના સાત દિવસીય ધાર્મિક પર્વનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 20 Sep 2026 01:26 PM (IST)Updated: Sun, 20 Sep 2026 01:26 PM (IST)
bhadarvi-poonam-mela-2026-begins-in-ambaji-with-grand-drone-flower-shower

Ambaji Bhadarvi Poonam Mela 2026: આસ્થા, ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026 નો ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે વિધિવત પ્રારંભ થયો છે.

બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશ પટેલે મા અંબાના દિવ્ય રથનું વિધિવત પૂજન-અર્ચન કરી ભાદરવી પૂનમ મહામેળો ખુલ્લો મુક્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ વસંત પુરોહિત, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, પ્રવાસન સચિવ રમેશ મેરજા, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી સહિતના મહાનુભાવો અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના પદાધિકારીઓ સહભાગી બન્યા હતા.

આ પ્રસંગે મા અંબાના દિવ્ય રથ ઉપર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરી ભવ્ય વધામણાં કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાનુભાવો દ્વારા રથને ખેંચીને ઉદ્ઘાટન ડોમ સુધી લઈ જવાયો હતો. ઉદ્ઘાટન ડોમ ખાતે મા અંબાની આરતી અને પૂજન સાથે મહામેળાના સાત દિવસીય ધાર્મિક પર્વનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો.

naidunia_image

પ્રભારી મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજીની ધરતી પર આજે ભાદરવી પૂનમના મેળાનો ભવ્ય શુભારંભ થઈ રહ્યો છે. આ મેળો ભક્તિ, સેવા, સંસ્કાર અને સામાજિક સમરસતાનો મહાકુંભ છે. ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી લાખો માઈભક્તો પગપાળા મા અંબાના દર્શને આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રાળુઓની સુવિધા, સુરક્ષા અને સુગમ દર્શન માટે શ્રેષ્ઠ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મા અંબાના ચરણોમાં પ્રાર્થના છે કે સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની શક્તિ દરેક ભારતીયને મળે.

બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, માઈભક્તો જેની આતુરતાથી રાહ જોતા હોય છે તેવા ભાદરવી પૂનમ મહામેળા-2026નો આજે માનનીય પ્રભારી મંત્રીના હસ્તે વિધિવત્ શુભારંભ થયો છે. આ પાવન પ્રસંગે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વતી દેશ-વિદેશના તમામ માઈભક્તો, શ્રદ્ધાળુઓ, પગપાળા સંઘો અને સેવા કેમ્પોને ભાદરવી પૂનમ મહામેળામાં હાર્દિક આમંત્રણ પાઠવું છું. માઈભક્તોની સુવિધા, સેવા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી ગુજરાત સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી ટ્રસ્ટ દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 29થી વધુ જિલ્લા કક્ષાની સમિતિઓ અને 7 હજારથી વધુ સરકારી કર્મચારીઓ સમગ્ર સાત દિવસ દરમિયાન 24 કલાક ખડેપગે ફરજ બજાવશે.

‘બોલ મારી અંબે... જય જય અંબે’ના ગગનભેદી જયઘોષ સાથે મા અંબાના પાવન ધામમાં શરૂ થયેલો ભાદરવી પૂનમ મહામેળો લાખો શ્રદ્ધાળુઓ માટે ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિક ઉર્જાનો પવિત્ર અવસર બની રહ્યો છે.