Bhadarvi Poonam Mahamela 2026: અંબાજીમાં માઈભક્તોનું ઘોડાપૂર, આજે રાત્રે યોજાશે ભવ્ય ડ્રોન-શો; જુઓ ગબ્બર પર્વતના આકાશી દ્રશ્યો

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુરક્ષા માટે ₹10 કરોડનું અકસ્માત વીમા કવચ લેવામાં આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 22 Sep 2026 04:05 PM (IST)Updated: Tue, 22 Sep 2026 04:05 PM (IST)
bhadarvi-poonam-mahamela-2026-grand-drone-show-to-be-held-tonight-at-ambaji-temple
Bhadarvi Poonam Mahamela 2026

Ambaji Bhadarvi Poonam Mahamela 2026: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ છે. મા અંબાના દર્શનાર્થે હજારો પદયાત્રીઓ અને ભક્તો અંબાજી ધામ પહોંચી રહ્યા છે. અંબાજી અને ગબ્બર રાત્રીના સમયે રોશનીથી ઝગમગી ઉઠ્યા છે, અને 'બોલ માડી અંબે જય જય અંબે' ના નાદથી ગૂંજી રહ્યા છે. આજે રાત્રે અંબાજીમાં ભવ્ય ડ્રોન શો યોજાશે.

450 ડ્રોન દ્વારા આજે અંબાજીમાં ભવ્ય ડ્રોન-શો

આજે રાત્રે અંબાજીના આકાશમાં 450 ડ્રોન દ્વારા મા અંબાના દિવ્ય પ્રતીકો અને આકૃતિઓ સાથે ભવ્ય ડ્રોન શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગબ્બર પર્વતનો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે. આ મનમોહક દૃશ્યો અને ભાદરવી પૂનમ મહામેળાની રંગત મનને આનંદ અને ભક્તિની અનુભૂતિ કરાવે છે. આ સમયે અંબાજી ધામની રોનક જ કંઈક અલગ છે.

45 લાખથી વધુ ભક્તો માટે પ્રશાસનનું આયોજન

આ વખતે ભાદરવી પૂનમ મહામેળામાં 45 લાખથી વધુ માઈભક્તો ઉમટે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા પ્રશાસન અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અભૂતપૂર્વ હાઈટેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ મેળામાં 25 થી વધુ સ્થળોએ ભીડ વધતા AI દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં એલર્ટ મોકલવામાં આવ્યા , જેના આધારે તાત્કાલિક પોલીસ મોકલી અવ્યવસ્થા રોકવામાં આવી હતી.

આ ઉપરાંત દર્શનાર્થીઓને કલાકો સુધી લાઈનમાં ઉભા ન રહેવું પડે તે માટે દર્શનપથ પર પ્રથમ વખત 60x80 મીટરનો વિશાળ ‘હોલ્ડિંગ એરિયા’ તૈયાર કરવામાં આવ્યો છે. આ ભાદરવી પૂનમના મહામેળામાં રાજકોટ, અમદાવાદ, મહેસાણા, દાહોદ, સુરત અને ઉદયપુર સહિતના વિસ્તારોમાંથી ઢોલ-નગારા સાથે પદયાત્રીઓના સંઘ અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.

આ વર્ષે મેળામાં તંત્રએ કરેલા 3 મહત્વના ફેરફાર

  • ધજા ચડાવવા માટે પાસ ફરજિયાત: મંદિરના શિખર પર 5 મીટરથી મોટી ધજા ચડાવી શકાશે નહીં, અને એક પાસ પર માત્ર 3 વ્યક્તિ જ જઈ શકશે.
  • સ્વચ્છતા અને શૌચાલય સુવિધા: પાલનપુર, સતલાસણા, હડાદ, આબુરોડ અને વિરમપુર તરફના માર્ગ પર ભક્તો માટે 500 વૈકલ્પિક શૌચાલય ઊભા કરવામાં આવ્યા છે.
  • ભોજનના એઠવાડથી બનશે ખાતર: ઉપરાંત, સેવા કેમ્પના ભોજનનો એંઠવાડ એકત્ર કરવા માટે ખાસ ટીમો બનાવી છે, ટ્રેક્ટરથી તેને એકત્ર કરી તેમાંથી ખાતર બનાવવામાં આવશે.

ભક્તો માટે ટ્રસ્ટ દ્વારા ₹10 કરોડનું વીમા કવચ

આ વર્ષે ભાદરવી પૂનમ મેળામાં આવતા ભક્તોની સુરક્ષા માટે 5,000 પોલીસ જવાનો બે શિફ્ટમાં 24 કલાક તૈનાત કરવામાં આવ્યા છે. વધુમાં, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુરક્ષા માટે ₹10 કરોડનું અકસ્માત વીમા કવચ લેવાયું છે, જેમાં તાત્કાલિક ₹2 લાખની સહાય આપવાની જોગવાઈ છે. બોમ્બ સ્ક્વોડ દ્વારા વિવિધ સ્થળોએ સુરક્ષા ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.