Ambaji Bhadarvi Poonam Mela 2026 Date: શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજવામાં આવે છે. ભાદરવી પૂનમના પાવન મહામેળાની માઈભક્તો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. માઈભક્તોમાં મેળાને લઇને અનેરો ઉત્સાહ અને અદમ્ય ઉમંગ મળતો હોય છે, ત્યારે વર્ષ 2026માં પરંપરાગત ભાદરવી પૂનમ મહામેળાનું ભવ્ય આયોજન આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન થનારું છે. આ સાત દિવસીય ધાર્મિક મહોત્સવમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવનાને પગલે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો 2026 ક્યારે?
- તારીખ: 20 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર ૨૦૨૬
ભાદરવી પૂનમના મેળા દરમિયાન આરતી અને દર્શનનો સમય
શક્તિપીઠ અંબાજીની વેબસાઇટમાં ભાદરવી પૂનમ મેળો 2026માં આરતીનો સમય અને દર્શનના સમય અંગેની વિગતો આપવામાં આવી છે. જે અનુસાર 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન નીચે મુજબ આરતી અને દર્શનનો સમય રહેશે.
- સવારે આરતીનો સમયઃ 6થી 6.30 વાગ્યા સુધી
- સવારે દર્શનનો સમયઃ 6.30થી 11.30 વાગ્યા સુધી
- બપોરે દર્શનનો સમયઃ 12.30થી સાંજે 5 વાગ્યા સુધી
- સાંજે આરતીનો સમયઃ 7થી 7.30 વાગ્યા સુધી
- સાંજે દર્શનનો સમયઃ સાંજે 7.30થી રાત્રે 12 વાગ્યા સુધી
સેવા કેમ્પ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
ભાદરવી પૂનમ મહામેળામાં આવતા લાખો પદયાત્રીઓની સેવા માટે વિવિધ સંસ્થાઓ અને ટ્રસ્ટો દ્વારા ભોજન, પાણી, આરોગ્ય અને આરામ માટેના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2026 ના મેળા માટે આ સેવા કેમ્પોના ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે.
કેમ્પ નોંધણી માટેની જરૂરી પ્રક્રિયા:
- મંદિર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ http://ambajitemple.in પર ફરજિયાત ઓનલાઈન નોંધણી કરવી.
- રજીસ્ટ્રેશન માટે લિંક પર ક્લિક કરો: http://ambajitemple.in/bhadarvi-poonam/seva-camp/registration
- નોંધણી બાદ રજિસ્ટ્રેશન ફોર્મ અને ફાયર સેફ્ટી અંગેનું સ્વ-બાંહેધરી પત્રક જરૂરી વિગતો સાથે એસ.ડી.એમ. કચેરી, દાંતા ખાતે જમા કરાવવાનું રહેશે.
- યોગ્ય ચકાસણી બાદ નિયમાનુસાર સેવા કેમ્પની મંજૂરી આપવામાં આવશે.
આધુનિક ડ્રોન શોની ભવ્યતા અને ઝળહળતી રોશની આકર્ષણનું કેન્દ્ર બનશે
આ મેળા દરમિયાન આકાશમાં આધુનિક ડ્રોન શોની ભવ્યતા અને ઝળહળતી રોશની આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર અંબાજી ધામ અત્યારથી જ ભક્તિમય માહોલમાં રંગાયું છે, જ્યાં પદયાત્રીઓ પગપાળા ચાલીને મા જગદંબાના ચરણોમાં શીશ નમાવવા પહોંચી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓની સુવિધા, સુરક્ષા અને સુગમ દર્શન માટેના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સનાતન સંસ્કૃતિના પૌરાણિક ગ્રંથ ‘માર્કંડેય પુરાણ’ અને ‘શ્રીદુર્ગા સપ્તશતી’માં અંબાજી શક્તિપીઠનો મહિમા સદીઓથી વર્ણવવામાં આવ્યો છે. 51 શક્તિપીઠોમાં આદ્યશક્તિપીઠ તરીકે પૂજાતા અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો આસ્થાનું કેન્દ્ર રહ્યો છે. ભક્તો ‘જય અંબે’ના નાદ સાથે અને પદયાત્રા દ્વારા પોતાની શ્રદ્ધા પ્રગટ કરી રહ્યા છે. મંદિર પરિસર અને માર્ગો પર અત્યારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. શ્રદ્ધાળુઓ દંડવત પ્રણામ કરતા પદયાત્રા કરી માતાજીના આશીર્વાદ મેળવવા આતુર જણાય છે.
