Banaskantha: ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતનાર કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપી દીધુ છે. આજે ગેનીબેન ઠાકોરે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે.
ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. અગાઉ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની તમામ 26 બેઠકો પર જવલંત વિજય મેળવ્યો હતો. આ ચૂંટણીમાં પણ ભાજપ જીતની હેટ્રિક લગાવશે તેવો અંદાજો હતો. જો કે ભાજપની હેટ્રિકના સપના પર ગેનીબેન ઠાકોરે પાણી ફેરવી દીધુ હતુ.
આ પણ વાંચો
ગેનીબેન ઠાકોર ગુજરાતથી કોંગ્રેસના એકમાત્ર સાંસદ છે. ગેનીબેને બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 30406 મતથી હરાવ્યા છે. આ બેઠક પર ગેનીબેન ઠાકોરને 6,71,883 મત મળ્યા હતા. જેની સામે ભાજપના રેખાબેનને 6,41,477 લોકોએ વોટ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગેનીબેન ઠાકોર 2017 અને 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વાવ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અગાઉ 2012માં પણ કોંગ્રેસે ગેનીબેનને ટિકિટ આપી હતી, પરંતુ ભાજપના શંકર ચૌધરી સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેનને વાવ બેઠક પર 1,02,513 મત મળ્યા હતા. જેની સામે ભાજપ ઉમેદવાર સ્વરૂપ ઠાકોરને માત્ર 86,912 મતથી સંતોષ માનવો પડ્યો હતો.
હવે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 12 થઈ ગયું છે. જ્યારે ખાલી પડેલી વિસાવદર અને વાવ બેઠક પર આગામી 6 મહિનાની અંદર એટલે કે એક્ટોબર-નવેમ્બરમાં પેટાચૂંટણી આવી શકે છે.
