Banaskantha News: વાવ-થરાદમાં 'લીવ-ઇન' અને પ્રેમપ્રકરણ કેસમાં નવો વળાંક, યુવતીએ યુવક સામે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી

વાવ-થરાદ જિલ્લામાં ચર્ચામાં રહેલા પ્રેમ પ્રકરણ અને લીવ-ઇન રિલેશનના કિસ્સામાં પરણિત મહિલા યુવક સાથે મૈત્રી કરાર પર રહેતી હતી, તેણે હવે યુવક સામે આગથળા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 12 Apr 2026 04:55 PM (IST)Updated: Sun, 12 Apr 2026 04:55 PM (IST)
banaskantha-vav-tharad-live-in-relation-case-rape-complaint-against-youth

Banaskantha: વાવ-થરાદ પંથકમાં ચકચારી બનેલા લીવ-ઇન રિલેશનમાં યુવકને માર મારવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. લાખાણી તાલુકાની એક પરણિત મહિલાએ જે યુવક સાથે અગાઉ મૈત્રી કરાર કર્યા હતા, હવે તેની જ વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ તેજ બની છે.

પ્રેમજાળમાં ફસાવી અત્યાચાર ગુજાર્યાનો આરોપ

આગથળા પોલીસ મથકે પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મહિલાએ ડેડુવા ગામના કેશવ ભલાજી માળી પર ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાનું કહેવું છે કે, કેશવે તેને પ્રેમજાળમાં ફસાવીને અલગ-અલગ શહેરોમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત યુવતીએ આક્ષેપ લગાવ્યો કે, લીવ-ઇન રિલેશનના દસ્તાવેજો પર તેની પાસે બળજબરીથી સહી કરાવવામાં આવી હતી.

યુવતીએ લગાવ્યા ગંભીર આક્ષેપ

કેશવ યુવતીને તપાસ માટે હોસ્પિટલ લઈ ગયો હતો, તબીબી તપાસ દરમિયાન મહિલા ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, તે દરમિયાન યુવતીના પરિવારે યુવતીની શોધખોળ કરી અમદાવાદના વટવામાંથી શોધી પાછી લાવ્યા હતા. પીડિતાએ માત્ર કેશવ જ નહીં, પરંતુ તેને આ ગુનામાં મદદ કરનાર ટરૂવા ગામના હરચંદભાઈ દાનાજી માળી અને પીરાજી ઉમાજી માળી વિરુદ્ધ પણ ફરિયાદ કરી છે.

આગથળા પોલીસે ફરિયાદ નોંધી

મહિલાનો આક્ષેપ લગાવ્યો છે કે. આરોપીઓએ તેના પર્સમાંથી અઢી તોલા સોનાના ઘરેણાં પડાવી લીધા હતા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે આગથળા પોલીસે બીએનએસની કલમ 87, 64(1), અને 351(3) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, અગાઉ આ જ પ્રકરણમાં યુવકને ઢોર માર મારવાના આરોપમાં યુવતીના પરિવારના 12 સભ્યો સામે ફરિયાદ થઈ હતી. હવે યુવતીએ સામે પક્ષે ગંભીર આક્ષેપો કરતા સમગ્ર મામલો કાયદાકીય ગૂંચવણમાં મુકાયો છે.