Banaskantha News: ઠાકોર સમાજના બંધારણ પર વિવાદાસ્પદ ગીત ગાનાર કલાકાર સુનિલ ઠાકોરે માંગી માફી

સમાજના દબાણ અને વિરોધ બાદ ગાયક સુનિલ ઠાકોરે નમ્રતાપૂર્વક માફી માંગતા જણાવ્યું હતું કે, મારો ઈરાદો સમાજની લાગણી દુભાવવાનો કે બંધારણનો વિરોધ કરવાનો નહોતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 09 Feb 2026 12:32 PM (IST)Updated: Mon, 09 Feb 2026 12:35 PM (IST)
banaskantha-singer-sunil-thakor-who-sang-a-controversial-song-on-constitution-of-thakor-community-apologized

Thakor Samaj, Banaskantha News: બનાસકાંઠાના ઠાકોર સમાજમાં સામાજિક કુરિવાજો દૂર કરવા માટે અમલી બનાવાયેલા 'બંધારણ' વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક ગીત વાયરલ થતા મોટો વિવાદ ઊભો થયો હતો. આ ગીતમાં "બંધારણ વાળાને મારો બંદુકની ગોળી…" જેવી વાંધાજનક પંક્તિઓ હોવાને કારણે સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે, વિવાદ વધતા ગાયક સુનિલ ઠાકોરે વીડિયો જાહેર કરીને પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી લીધી છે.

શું હતો સમગ્ર વિવાદ?

તાજેતરમાં ઠાકોર સમાજના અગ્રણીઓએ ભેગા મળીને લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ અને ડીજે (DJ) વગાડવા પર પ્રતિબંધ મૂકતું એક સામાજિક બંધારણ ઘડ્યું હતું. આ નિયમોનો વિરોધ કરવાના આશયથી ગાયક સુનિલ ઠાકોરે એક ગીત ગાયું હતું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. આ ગીતના શબ્દો સમાજની એકતા તોડનારા હોવાનો આક્ષેપ થતા ઠાકોર સમાજના સંગઠનોએ તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

કલાકાર સુનિલ ઠાકોરની માફી

સમાજના દબાણ અને વિરોધ બાદ ગાયક સુનિલ ઠાકોરે નમ્રતાપૂર્વક માફી માંગતા જણાવ્યું હતું કે, "મારો ઈરાદો સમાજની લાગણી દુભાવવાનો કે બંધારણનો વિરોધ કરવાનો નહોતો. અજાણતા થયેલી આ ભૂલ બદલ હું સમગ્ર ઠાકોર સમાજની માફી માંગુ છું."

ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા

આ બાબતે બનાસકાંઠાના અગ્રણી નેતા ગેનીબેન ઠાકોરે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમાજના ઉત્થાન માટે જે નિયમો બનાવાયા છે તે દરેકના હિતમાં છે. કોઈ પણ કલાકાર કે વ્યક્તિએ સમાજની મર્યાદા ઓળંગવી જોઈએ નહીં. તેમણે યુવાનોને અપીલ કરી હતી કે ગેરમાર્ગે દોરાવવાના બદલે સામાજિક સુધારણામાં સહયોગ આપે.

કોરડા ગામે ડીજે વગાડવા બદલ તપાસના આદેશ

બીજી તરફ, સમાજના બંધારણનો ભંગ કરી કોરડા ગામે એક પ્રસંગમાં ડીજે વગાડવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ બાબતને ગંભીરતાથી લઈને ઠાકોર સમાજના આગેવાનોએ બેઠક યોજી હતી. આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે, "જે લોકો બંધારણ તોડશે તેમની સામે કડક સામાજિક કાર્યવાહી કરવામાં આવશે." કોરડા ગામની ઘટનાની તપાસ માટે આગેવાનોની એક ટીમ બનાવવામાં આવી છે, જે પુરાવા એકત્ર કરી જવાબદારો સામે દંડ કે અન્ય પગલાં લેશે. સમાજના અગ્રણીઓએ અંતમાં જણાવ્યું હતું કે, કલાકારોએ કલાના માધ્યમથી સમાજને જોડવાનું કામ કરવું જોઈએ, તોડવાનું નહીં. હાલમાં સુનિલ ઠાકોરની માફી બાદ મામલો થાળે પડ્યો હોય તેમ લાગે છે.