Banaskantha: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આજે પોષી પૂનમે અંબે માતાનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે.
જગતજનનીના પ્રાગટ્ય મહોત્સવને લઈને સમગ્ર મંદિર પરિસરને આકર્ષક ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે, ત્યારે આજે વહેલી સવારથી જ માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશભરમાંથી મોટી સંખ્યામાં માઈભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતુ. મંગળા આરતીના સમયે પણ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન 'બોલ મારી અંબે..જય જય અંબે'ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતુ.
આ પણ વાંચો
આજના આ ખાસ અવસરે માતાજી હાથીની અંબાડી પર સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા હતા. હાથી, ઘોડા અને પાલખી સાથે 3 કિલોમીટર લાંબી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 40થી વધુ કલાત્મક અને ધાર્મિક ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ખાસ કરીને આદિવાસી નૃત્યો, નાસિક ઢોલ અને બેન્ડવાજા અને શરણાઈઓના સુરથી વાતાવરણ ભક્તિમય બન્યું હતુ.

'સુખડી પૂનમ' તરીકે પણ ઓળકવામાં આવતી પોષી પૂનમના રોજ 2100 કિલો જેટલી સુખડીનો પ્રસાદ ભક્તોમાં વિતરિત કરવામાં આવ્યો હતો. આ માતાજીને વિવિધ શાકભાજીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.

પોષી પૂનમને લઈને માઈ ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર તેમજ મંદિર તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજીમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માઈભક્તોને કોઈ અગવડ ના પડે, તે માટે મંદિર પરિસરમાં વધારાના પ્રસાદ કાઉન્ટરો પણ શરૂ કરવામાં આવ્યા છે.
