Banaskantha: 'સરહદી વિસ્તારમાં અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પૂરવઠો પહોંચાડવો ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા'

રાજ્ય સરકારનું વિકાસ મોડેલ: વાવ-થરાદ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 66 કે.વી ઢીમા, રાણપુર (આ.વાસ) અને ભડથ સબ સ્ટેશનનું કરાયું લોકાર્પણ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 18 Dec 2025 09:24 PM (IST)Updated: Thu, 18 Dec 2025 09:24 PM (IST)
banaskantha-news-gujarat-governments-commitment-to-provide-uninterrupted-and-quality-power-supply-to-border-areas
HIGHLIGHTS
  • વાવ- થરાદ જિલ્લામાં દર મહિને વિકાસ કાર્યનું લોકાર્પણ થઈ રહ્યું છે
  • નર્મદા કેનાલ અને સતત વીજ પુરવઠાથી ખેતી અને પશુપાલન ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ આવ્યો

Banaskantha: વાવ - થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની ગરિમામય ઉપસ્થિતિમાં ઢીમા ખાતે 66 કેવી ઢીમા, રાણપુર (આ.વાસ) તથા ભડથ સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા વાવ થરાદ જિલ્લાના ઢીમા, રાણપુર (આ.વાસ) તથા ભડથ ખાતે રૂ. 30 કરોડના ખર્ચે નિર્મિત 66 કેવી સબ સ્ટેશન ઊભું કરાયું છે. આ સબ સ્ટેશન થકી સરહદી વિસ્તારના 16થી વધુ ગામડાઓને અવિરત વીજળી પૂરવઠો મળી રહેશે.

આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વાવ-થરાદ વિસ્તારના ખેડૂતો ખેતી માટે પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યા છે. આ તેમની સમજણ અને જાગૃતિનો ઉત્તમ દાખલો છે. પાણી સંરક્ષણ પ્રત્યેની સભાનતા સાથે ખેડૂતો જળ સંચયનું કાર્ય કરી રહ્યા છે.

આજથી આશરે 20 વર્ષ પહેલાં સમગ્ર ગુજરાતમાં એક જ માંગ હતી કે ગામડાઓને પૂરતી વીજળી મળે. શહેરોમાં 24 કલાક વીજળી મળતી હોય તો ગામડાઓમાં કેમ નહીં અને નર્મદાના પાણીનો લાભ આ વિસ્તારોને કેમ ન મળે, તે પ્રશ્નો લોકો ઉઠાવતા હતા. પરંતુ આજે આ પરિસ્થિતિમાં મોટુ પરિવર્તન આવ્યું છે.

સરકારે ગામડાઓમાં 24 કલાક વીજળીનો પુરવઠો આપ્યો છે. ખેડૂતોને ખેતી પાક માટે દિવસે વીજળી આપી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરી, જેની સ્થાપના ગલબાભાઈએ કરી હતી, તેને આજે વિશ્વ સ્તર પર પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે, જેનો સીધા લાભ આજે પશુપાલકોને મળી રહ્યો છે.

PM મોદીના માર્ગદર્શનમાં રાજ્યમાં ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કુદરતી આફતો, વાવાઝોડાં કે પૂર જેવી પરિસ્થિતિમાં પણ વીજળી વિભાગના કર્મચારીઓ ૨૪×૭ સેવા આપી વીજ પુરવઠો ચાલુ રાખે છે, તે ગર્વની બાબત છે. તેમણે ખેડૂતોને પાણીની સાથે વીજળીનો પણ સંયમપૂર્વક અને કાળજીપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું. વાવ-થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યને સતત વેગ આપવામાં આવી રહ્યો છે.

નવનિર્મિત સબ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે, રાજ્ય સરકારે વિકાસલક્ષી કાર્યોને સતત પ્રાધાન્ય આપ્યું છે. રાજ્ય સરકારના વિકાસ મોડલ હેઠળ વાવ - થરાદ જિલ્લામાં દર મહિને નવા વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.

આ સબ સ્ટેશનના લોકાર્પણથી અંદાજે 9 કિલોમીટર વિસ્તારમાં આવેલા ગામડાઓને ગુણવત્તાપૂર્ણ વીજ પુરવઠો મળશે, જેનાથી ખેતી ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થશે. ભૂતકાળમાં આ વિસ્તારમાં પૂરતો વીજ પુરવઠો મળતો નહોતો, પરંતુ રાજ્ય સરકારના વિકાસ પ્રત્યેના દ્રઢ સંકલ્પના પરિણામે હવે સતત અને વિશ્વસનીય વીજળી ઉપલબ્ધ બનશે.