Gandhinagar: ગુજરાતમાં ગુમ થયેલા વ્યક્તિઓની શોધખોળ માટે CID ક્રાઈમ અને રેલ્વે તથા CID ક્રાઈમ મહિલા સેલ દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 901 ગુમ વ્યક્તિઓને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે.
સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેના DGP ડૉ. કે. એલ. એન. રાવ તથા સી.આઈ.ડી. ક્રાઈમ મહિલા સેલના ADGP અજય કુમાર ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ વિશેષ ઝુંબેશ કુલ 30 દિવસ માટે બે તબક્કામાં રાજ્યભરમાં હાથ ધરાઈ હતી.
આ ઝુંબેશ રાજ્યમાં ગુમ થયેલા વ્યક્તિઓની શોધખોળ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા અને ગંભીરતા દાખવીને આ કામગીરી કરવામાં આવી હતી. રાજ્યના તમામ મહાનગરના કમિશ્નરો તથા જિલ્લા પોલીસ અધિક્ષકો તાબાના પોલીસ સ્ટેશનોમાં તેમજ સી.આઈ.ડી. ક્રાઈમ મીસીંગ સેલમાં વિશિષ્ટ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોને સી.આઈ.ડી. (ક્રાઈમ) દ્વારા સતત માર્ગદર્શન અને દૈનિક સૂચનાઓ પૂરી પાડવામાં આવી હતી.
બે તબક્કામાં યોજાયેલી આ ખાસ ઝુંબેશના 30 દિવસના સમયગાળા દરમિયાન રાજ્યભરમાંથી 614 મહિલાઓ અને 287 પુરુષો મળીને કુલ 901 વ્યક્તિઓની સફળતાપૂર્વક શોધખોળ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસની સી.આઈ.ડી. (ક્રાઈમ) શાખા દ્વારા ગુમ બાળકો અને વ્યક્તિઓની નિયમિત શોધખોળ હેતુસર સમયાંતરે વિશેષ અભિયાનોનું આયોજન કરવામાં આવે છે. શોધાયેલા બાળકો/વ્યક્તિઓને તેમના પરિવારો સાથે પુનઃસ્થાપિત કરવાની કાર્યપદ્ધતિ પણ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે.
