બનાસકાંઠા: દાંતીવાડામાં 65 વર્ષના વૃદ્ધે કર્યું અગ્નિસ્નાન, સળગતી હાલતમાં હોસ્પિટલમાં ઘૂસ્યા

વૃદ્ધની સ્થિતિ અત્યંત ગંભીર હોવાને કારણે તેમને વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 02 Oct 2026 07:59 AM (IST)Updated: Fri, 02 Oct 2026 07:59 AM (IST)
banaskantha-news-devendra-vaniya-suicide-attempt-in-dantiwada-hospital
દાંતીવાડામાં વૃદ્ધે કર્યું અગ્નિસ્નાન

Dantiwada Suicide Attempt: બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાંથાવાડાના 65 વર્ષીય વૃદ્ધે કેન્સરની ગંભીર બીમારીથી કંટાળીને શરીર પર પેટ્રોલ છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સળગતી હાલતમાં જ તેઓ પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં ઘૂસી જતાં સ્ટાફે તાત્કાલિક આગ બુઝાવી પ્રાથમિક સારવાર આપી હતી.

સળગતી હાલતમાં હોસ્પિટલમાં ઘૂસતાં દોડધામ

બનાસકાંઠાના દાંતીવાડા ખાતે ગત બપોરે 65 વર્ષના એક વૃદ્ધે પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. જે બાદ તેઓ સળગતા શરીરે જ પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં (CHC પાંથાવાડા) પહોંચી ગયા હતા. વૃદ્ધને સળગતી હાલતમાં જોઈને હોસ્પિટલના સ્ટાફ અને કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

હોસ્પિટલના કર્મચારીઓએ તરત જ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કરતાં તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. આ સમગ્ર ચોંકાવનારી ઘટના હોસ્પિટલના CCTV કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે.

વૃદ્ધને સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા

હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હિમાંશુ ગઢવીના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં ઘૂસી આવેલા આ વૃદ્ધનું નામ દેવેન્દ્ર વાણિયા છે અને તેઓ પાંથાવાડાના જ રહેવાસી છે. પ્રાથમિક સારવાર આપ્યા બાદ વૃદ્ધની સ્થિતિ અત્યંત ગંભીર હોવાને કારણે તેમને વધુ સઘન સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા છે.

શા માટે આત્મહત્યાનો પ્રયાસ, પોલીસ તપાસ શરૂ

આ ઘટના બનતાં જ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હિમાંશુ ગઢવીએ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જાણ થતાં જ પાંથાવાડા પોલીસની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી અને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

પાંથાવાડા PI ના જણાવ્યા મુજબ, દેવેન્દ્રભાઈ વાણિયા લાંબા સમયથી કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હતા. સંભવતઃ આ અસાધ્ય બીમારીના દુખાવા અને પીડાથી કંટાળીને જ તેમણે આ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.