કિંજલ રબારીની 'ઘર વાપસી' બાદ હવે ચૌધરી સમાજ મેદાનમાં, રબારી યુવક સાથે ભાગેલી પોતાની દીકરી પરત મેળવવા બેઠક બોલાવી

ચૌધરી સમાજની દીકરીને ઉણ ગામનો રબારી યુવક ભગાડી ગયો હોવાનો પરિવારનો આક્ષેપ. પિતાએ પોતાની દીકરીને પરત સોંપવા માટે રબારી સમાજને વિનંતી કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 15 Mar 2026 10:12 PM (IST)Updated: Sun, 15 Mar 2026 10:12 PM (IST)
banaskantha-news-chaudhary-samaj-meeting-on-march-18-over-girl-who-eloped-with-rabari-youth
રૂણી ગામમાં ચૌધરી સમાજની બેઠક અને સમાજના આગેવાન કરસન ચૌધરી
HIGHLIGHTS
  • 18 માર્ચે ભાભર તાલુકાના રુણી ગામના શક્તિ મંદિરમાં બેઠક મળશે
  • સમસ્ત ઉત્તર ગુજરાતના આંજણા ચૌધરી સમાજના આગેવાનોને આમંત્રણ

Banaskantha: ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારી પોતાના માતા-પિતાના ઘરે પરત ફરતા તેના ચૌધરી યુવક સાથેના આંતરજ્ઞાતિય લગ્નને લઈને ઉભો થયેલો વિવાદ ભલે સમી ગયો હોય, પરંતુ હવે રબારી સમાજના યુવકો અન્ય સમાજની યુવતીઓને ભગાડી ગયા હોય તેઓ પોતાની દીકરી પરત મેળવવા માટે આગળ આવી રહ્યા છે.

18 માર્ચે ભાભર તાલુકાના રૂણી ગામમાં ચૌધરી સમાજની બેઠક

રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની બેઠક બાદ લોકગાયિકા કિંજલ રબારીને તેના પરિવારને પરત સોંપી દેવામાં આવી છે. એવામાં હવે ચૌધરી આગેવાનો પણ પોતાના સમાજની દીકરીને રબારી યુવક ભગાડી ગયો હતો, તો તેને પરત સોંપે તેવી માંગ કરી રહ્યા છે.

હકીકતમાં રૂની ગામની ચૌધરી સમાજની દીકરી ઘરમાંથી દાગીના લઈને ગાયબ થઈ ગઈ હતી. જેને ઉણ ગામનો રબારી યુવક ભગાડી ગયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. આ મામલે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી દીકરી પરત નથી મળી. એવામાં હવે દીકરીના પિતાએ પોતાની દીકરીને સન્માનપૂર્વક પરત આપવા માટે રબારી સમાજને વિનંતી કરી છે.

આ સંદર્ભે આગામી 18 માર્ચના રોજ ભાભર તાલુકના રૂણી ગામમાં આવેલા શક્તિ મંદિરે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમસ્ત ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં રબારી સમાજમાં ગયેલી ચૌધરીની દીકરીને પરત લાવવા માટેના નિર્ણય અંગે ચર્ચા કરવામાં આવવાની છે.

પાટીદાર સમાજની મહિલાએ પણ પોતાની દીકરી પરત માંગી

આવી રીતે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામની પાટીદાર સમાજની યુવતીએ પણ પિયુષ રબારી નામના યુવક સાથે ભાગીને લગ્ન કરતા વિવાદ ચગ્યો છે. દીકરીની માતાએ સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને રબારી સમાજ અને ઠાકરશીને પોતાની દીકરી હેમખેમ પરત આપવા માટે વિનંતી કરી છે.

ઠાકરશી રબારીએ દરેક સમાજની દીકરીઓને અપીલ કરી હતી

કિંજલ રબારીની ઘર વાપસી બાબતે સમાજના આગેવાન ઠાકરશી રબારીએ, દીકરીએ પરત ફરવાનો નિર્ણય લીધો, તેને સમાજની એકતા અને તાકાતની જીત ગણાવી હતી. આ સાથે જ દરેક સમાજની દીકરીઓને મા-બાપની આબરુનો વિચાર કરવાની અપીલ કરી હતી.

એવામાં પાટીદાર અને ચૌધરી સમાજ દ્વારા પોતાની દીકરી પરત માંગતા ઠાકરશી રબારીએ બન્ને સમાજના આગેવાનોને એ દીકરીઓના પરિવારને મદદ કરવા અપીલ કરી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, હું પણ મારા તરફથી અને મારા રબારી સમાજ તરફથી પાટીદાર અને ચૌધરી સમાજની દીકરીઓને ન્યાય અપાવવા માટે પુરતો પ્રયાસ કરીશ.

(In Pic: રૂણી ગામમાં ચૌધરી સમાજની બેઠક અને સમાજના આગેવાન કરસન ચૌધરી)