Banaskantha: સરકારે રેતીની લીઝોની મુદત ન વધારતા 31 માર્ચ 2026થી 277 લીઝો બંધ કરી દેવાઈ છે. જેથી બનાસ નદી પર ચાલતું ખનન બંધ પડી ગયું છે. ત્યારે જેના લીઘે કાંકરેજ અને ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા પંથકમાં રેતી લઈ જતાં ડમ્પરોને બ્રેક લાગી ગઈ છે. તેની સાથે જોડાયેલા પરિવારોનો આજીવિકા પર સંકટ ઘેરાયું છે.
બનાસ નદીની રેતીની મોટી માંગ
ફક્ત ગુજરાત જ નહીં, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં બનાસ નદીની સાદી રેતીની ભારે માંગ છે. રાજ્ય સરકારે 5 વર્ષની શરતે ફાળવેલી આ લીઝોની મુદત 31 માર્ચના રોજ પૂરી થવા આવી છે. જ્યારે કાંકરેજમાં માંડ 2 કે 3 લીઝો જ ચાલું છે, જ્યારે બાકીની લીઝો બંધ થઈ જતા બાંધકામ ક્ષેત્રે રેતીની મોટી અછત જોવા મળી છે.
ખાનગી અને સરકારી બાંધકામો અટક્યા
રેતીની અછતના લીધે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી મકાનોના કામો અને સરકારી બાંધકામોના પ્રોજેક્ટ્સ અટકી ગયા છે. જો લીઝો પુન:કાર્યરત નહીં કરાય તો આગામી સમયમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે મોટું આર્થિક નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તેમજ જેના લીધે વ્યવસાય સાથે જોડાયેલા શ્રમિક પરિવારોની આજીવિકા પર મોટી અસર થઈ શકે તેવી ભિતી વ્યક્ત કરાઈ છે.
277 લીઝો બંધ થઈ જતા મુશ્કેલી
પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લામાં 437 જેટલી સાદી રેતીની લીઝો આવેલી છે. જેમાંની 160 લીઝો હાલમાં કાર્યરત છે. જ્યારે બાકીની 277 લીઝો રિન્યુ ન કરાતા ભારે મુશ્કેલી સર્જાઈ છે. આ વ્યવસાય સાથે જોડાયેલા ક્લીનર, ડ્રાઈવર, ટ્રક માલિકો અને મજૂરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. ત્યારે અનેક ટ્રાન્સપોર્ટરોએ લોન પર લીધેલા વાહનોના હપ્તા કેવી રીતે ભરવા એ અંગે ચિંતા ફેલાઈ છે.
ખાણ-ખનીજ કમિશનરને રજૂઆત કરી
લીઝોને પુન:કાર્યરત કરવા અંગે ગાંધીનગર ખાણ-ખનીજ કમિશનરને ટ્રાન્સપોર્ટર્સ અને લીઝ ધારકોએ પત્ર લખી રજૂઆત કરી છે કે, લાખો પરિવારોના હિતમાં લીઝોને રિન્યુ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવીને કામચલાઉ મુદત વધારી દેવામાં આવે. જો ત્વરિત નિર્ણય નહી લેવાય તો શ્રમિક વર્ગમાં ભારે અસંતોષ ફેલાઈ શકે છે.
