Measles Cases in Banaskantha: બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના 9 કેસ પોઝિટિવ અને 37 શંકાસ્પદ જણાતા તંત્ર દોડતું થયું

ધાનેરામાં ઓરીના કેસો વકરતા સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી 'હાઉસ ટુ હાઉસ સર્વે' શરૂ કરવામાં આવ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 07 Jan 2026 12:32 PM (IST)Updated: Wed, 07 Jan 2026 12:32 PM (IST)
banaskantha-measles-update-9-confirmed-37-suspected-cases-in-dhanera

Measles Cases Outbreak in Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં છેલ્લા ત્રણ માસથી ઓરી (Measles) ના કેસોમાં સતત વધારો થતાં આરોગ્ય વિભાગમાં ફાળકો પડ્યો છે. અત્યાર સુધીમાં ઓરીના 9 કેસ પોઝિટિવ અને 37 જેટલા શંકાસ્પદ કેસ નોંધાતા ગાંધીનગર આરોગ્ય વિભાગની ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.

હાઉસ ટુ હાઉસ સર્વે અને તપાસ

ધાનેરામાં ઓરીના કેસો વકરતા સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી 'હાઉસ ટુ હાઉસ સર્વે' શરૂ કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી આવેલી ટીમે પોઝિટિવ કેસ ધરાવતા પરિવારોની મુલાકાત લીધી હતી અને રોગના ફેલાવાને રોકવા માટે જરૂરી પગલાં સૂચવ્યા હતા. સ્થિતિને જોતા આગામી સમયમાં ધાનેરા પંથકને 'ચેપગ્રસ્ત વિસ્તાર' જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.

અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવા પ્રયાસ

આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ ઓરીને 'માતાજી પધાર્યા' હોવાની માન્યતા પ્રવર્તી રહી છે. આ અંધશ્રદ્ધાને કારણે લોકો હોસ્પિટલ જવાને બદલે ઘરેલું ઉપચાર કે વિધિઓ પર આધાર રાખે છે, જેનાથી ચેપ અન્ય લોકોમાં ફેલાઈ રહ્યો છે. આરોગ્ય અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ એક ગંભીર ચેપી રોગ છે, તેથી કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધામાં પડ્યા વિના તબીબી સારવાર લેવી અનિવાર્ય છે.

ઓરીના મુખ્ય લક્ષણો

આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અને નીચે મુજબના લક્ષણો જણાય તો તુરંત સંપર્ક કરવા જણાવ્યું છે:

  • શરીર પર લાલ રંગના ખંજવાળવાળા ફોલ્લીઓ (જે સાત દિવસ સુધી રહી શકે છે).
  • તાવ આવવો અને ઉધરસ કે ગળામાં દુખાવો થવો.
  • આંખો લાલ થવી અને પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા વધવી.
  • વહેતું નાક અને સ્નાયુઓમાં દુખાવો.
  • મોઢાની અંદર સફેદ ડાઘ કે ફોલ્લીઓ દેખાવી.

આગળની કાર્યવાહી

આરોગ્ય વિભાગ અત્યારે એલર્ટ મોડમાં છે અને અસરગ્રસ્ત બાળકોના રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો સમયસર આ રોગને કાબૂમાં લેવામાં નહીં આવે, તો તે સમગ્ર જિલ્લામાં ફેલાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.