Banaskantha: બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેરપુરા ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક પતિએ નજીવી બાબતે તકરાર થતાં કૂહાડીના ઘા ઝીંકીને પોતાની પત્નીની હત્યા કરી નાંખી છે. આ મામલે મૃતક મહિલાના પુત્રએ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શેરપુરા ગામમાં નવાજી ઠાકોર પોતાની પત્ની કુંવરબેન અને 3 સંતાનો સાથે રહેતા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી નવાજી અને કુંવરબેન વચ્ચે અવારનવાર નજીવી બાબતે ઝઘડા થતા હતા. જેના પગલે થોડા દિવસ અગાઉ કુંવરબેન રિસાઈને ચિત્રોડા ખાતે પોતાના પિયર જતા રહ્યાં હતા. જો કે સમાધાન થઈ જતાં કુંવરબેન ફરીથી શેરપુરા રહેવા આવી ગયા હતા.
આ પણ વાંચો
જો કે ગઈકાલે સાંજે નવાજી અને કુંવરબેન ખેતરમાં ગયા હતા. જ્યાં પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતે ફરીથી તકરાર થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા નવાજી કૂહાડી લઈને કુંવરબેન પર તૂટી પડ્યા હતા. નવાજીએ કૂહાડીના આડેધડ ઘા ઝીંકીને કુંવરબેનની હત્યા કરી નાંખી હતી.
પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ નવાજી ઘરે પહોંચ્યા હતા, જ્યાં પુત્ર કહ્યું હતું કે, તારી મા દરરોજ નાની-નાની વાતોમાં ઝઘડા કરતી હતી. આથી આજે તો તેને ખેતરમાં પતાવી દીધી છે. આ બાબતની જાણ થતાં પુત્ર ખેતર પહોંચ્યો હતો, જ્યાં માતા લોહીના ખાબોચિયામાં મૃત મળી આવી હતી.
હાલ તો પોલીસે કુંવરબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડગામ રેફરલમાં ખસેડ્યો છે. જ્યારે પુત્રની ફરિયાદના આધારે નવાજી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
