Banaskantha: દાંતાના ધાગડીયા ગામે પુત્રે પિતાને છરીના 4 ઘા ઝીંક્યા, સારવાર દરમિયાન મોત, હત્યા પાછળનું ચોંકાવનારુ કારણ?

બનાસકાંઠાના દાંતા તાલુકાના ધાગડીયા ગામે પુત્રે વૃદ્ધ પિતા પર છરી વડે હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન 72 વર્ષીય પિતાનું મોત થયું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 30 Aug 2026 09:03 AM (IST)Updated: Sun, 30 Aug 2026 09:03 AM (IST)
banaskantha-danti-dhagadiya-son-killed-father-knife-attack-family-dispute

Banaskantha murder: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ઘાગડીયા ગામે પુત્રે જ પોતાના વૃદ્ધ પિતાની કરપીણ હત્યા કરી દીધી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પત્ની પિયરે જતી રહી હોવાની અદાવતમાં આરોપી પુત્રે પિતા પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા.

આરોપી પુત્ર પિતા સાથે ઝઘડા કરતો

મળતી માહિતી મુજબ, દાંતા તાલુકાના ધાગડીયા ગામમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધ દેવાભાઈ મેતાભાઈ મકવાણાની તેમના જ પુત્ર હોમીરાભાઈ મકવાણાએ કૌટુંબિક કંકાસમાં છરીના ઘા ઝીંકી દઈ હત્યા કરી નાખી હતી, બનાવ પાછળના કારણની વાત કરીએ તો, પત્ની ગત જૂનથી કૌટુંબિક અણબનાવના કારણે પિયર જતી રહી હતી. આ બાબતને લઈને પુત્ર હોમીરાભાઈ અવારનવાર પિતા સાથે ઝઘડો કરતો હતો.

છરીના ઘા ઝીંકતા પિતાનું મોત

27 ઓગસ્ટના રોજ સાંજે 7.30 વાગ્યે પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આથી ઉશ્કેરાયેલા પુત્રે તેના પિતાના પેટ અને હાથના ભાગે છરીના 4 ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા દેવાભાઈને તાત્કાલિક 108 મારફતે પહેલા અંબાજીની સરકારી હોસ્પિટલે લઈ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયા હતા. પરંતુ રાત્રે 10.00 થી 10.30ના ગાળામાં રસ્તામાં જ તેમનું મોત થયું હતું.

આરોપી પુત્ર હત્યા કરી ફરાર

બનાવ બાદ આરોપી પુત્ર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે મૃતક વૃદ્ધના ભાઈ નેતાભાઈ મેતાભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આરોપી પુત્ર સામે પોલીસે ગુનો નોંધીને તેને પકડી પાડવા માટે કાર્યવાહી શરુ કરી છે.