Banaskantha Extortion Case: બનાસકાંઠા જિલ્લામાં લોકો અને સરકારી-ખાનગી સંસ્થાઓને રીલ બનાવી બ્લેકમેલ કરી ખંડણી વસૂલતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સંજયસિંહ રાજપૂતને પાલનપુર LCB ટીમે ધરપકડ કરી છે. આરોપીએ પાલનપુર સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી ગાર્ડ એજન્સી વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતી રીલ બનાવીને વાયરલ કર્યા બાદ, પોસ્ટ ડિલીટ કરવાના બદલામાં 1 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
સ્થાનિક સિક્યુરિટી એજન્સીને બનાવી ટાર્ગેટ
આ પણ વાંચો
આ ઘટનાની વિગતો અનુસાર, આરોપી સંજયસિંહ રાજપૂત પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવે છે અને વિવિધ સરકારી વિભાગો તેમજ ખાનગી સંસ્થાઓ સામે આક્ષેપો કરતા વીડિયો બનાવીને પોસ્ટ કરતો હતો. તાજેતરમાં તેણે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી સિક્યુરિટી ગાર્ડ એજન્સી પર આક્ષેપ કરતી રીલ બનાવી કે સિક્યુરિટી ગાર્ડ્સ દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો પ્રયાસ કરે છે.
રીલ ડિલીટ કરવા 1 લાખની ખંડણીની માંગણી
આ રીલમાં આપવામાં આવેલા કોન્ટેક્ટ નંબર પર સિક્યુરિટી એજન્સીના જવાબદારોએ સંપર્ક કરતા, આરોપી સંજયસિંહે તેમને વડગામ ખાતે રૂબરૂ બોલાવ્યા હતા. વડગામ ખાતે મુલાકાત દરમિયાન આરોપી સંજયસિંહે ધમકી આપી કે જો રીલ ડિલીટ કરાવી હોય અને ભવિષ્યમાં આવા આક્ષેપ ન થવા દેવા હોય તો 1 લાખ રૂપિયા આપવા પડશે.
આરોપીએ એવી પણ ધમકી આપી હતી કે જો દર્દી મરી જશે તો હત્યાનો ગુનો દાખલ કરાવીને આજીવન કેદની સજા કરાવીશ. ચર્ચા-વિચારણાના અંતે 20,000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ફરિયાદીએ 10,000 રૂપિયા રોકડા અને 10,000 રૂપિયા ઓનલાઈન એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.
LCB પોલીસે આરોપી સંજયસિંહની ધરપકડ કરી
આ મામલે બાદમાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા વડગામ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની ખંડણી (Extortion) સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પાલનપુર LCB પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી સંજયસિંહરાજપૂતની અટકાયત કરી 10,000 રૂપિયા રોકડા, મોબાઈલ અને કાર જપ્ત કરી લીધા છે.
પોલીસ દ્વારા સઘન તપાસ અને જનતાને અપીલ
આ કેસની આગળની તપાસ DySP જીગ્નેશ ગામીત ચલાવી રહ્યા છે. બનાસકાંઠા પોલીસ તંત્ર દ્વારા નાગરિકો, વેપારીઓ, ડોક્ટરો અને સરકારી કર્મચારીઓને અપીલ કરવામાં આવી કે, જો આ ઈન્ફ્લુએન્સર કે અન્ય કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયામાં રીલ બનાવી કે આક્ષેપ કરીને ખંડણી માંગતા હોય, તો તુરંત જ સ્થાનિક પોલીસ સ્ટેશન કે DySP ઓફિસનો સંપર્ક કરવો. પોલીસ આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરશે.
