Banaskantha News: એશિયાની સૌથી મોટી બનાસડેરીની આજે દિયોદરના સણાદર ખાતે 56મી વાર્ષિક સાધારણ સભા બનાસડેરીના ચેરમેન અને પશુપાલકોની ઉપસ્થિતમાં યોજાઈ હતી. જ્યાં બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ લાખો પશુપાલકોને 18.52 ટકા ભાવ વધારો આપવાની જાહેરાત કરતા લાખો પશુપાલકોમાં ખુશી ફેલાઈ હતી. આ જાહેરાતથી 5 લાખ પશુપાલકોને ફાયદો થશે.
બાનાસડેરી વર્ષ 2015થી બનાસ ડેરી સતત દૂધનો ભાવ વધારો આપતી રહી છે. ત્યારે આજે 56 વાર્ષિક સાધારણ સભામાં 17 ઓગસ્ટે યોજાયેલી સભામાં બનાસ ડેરીએ રૂપિયા 1973 કરોડ રૂપિયા ભાવફેર રકમ પશુપાલકોને આપવામાં આવી છે. બનાસડેરીએ કિલો ફેટે દૂધમાં ભાવવધારો કર્યો છે. કિલો ફેટે બનાસ ડેરીએ રૂપિયા 989નો ભાવ વધારો કર્યો છે. આ પહેલા વર્ષ 2022-23માં કિલો ફેટે રૂપિયા 948 ભાવ આપવામાં આવતો હતો. ત્યારે બટાકા માટે પણ 10 ટકા ભાવફેર બનાસ ડેરી દ્વારા આપવામાં આવશે.
આ સભામાં બનાસડેરી ચેરમેન શંકર ચૌધરી સહિત પૂર્વ સાંસદ પરબત પટેલ અને અન્ય ભાજપના આગેવાનો તથા હજારો પશુપાલકો હાજર રહ્યા હતા અને ત્યારે ભાવફેરની જાહેરાત કરતા પશુપાલકો હરખાઈ ગયા હતા. વડગામના નવલબેન ચૌધરીએ રૂપિયા 1.63 કરોડની આવક મેળવી સૌથી વધુ દૂધ આવક મેળવનાર મહિલા બની હતી.
સૌથી વધુ દૂધ ભરાવી આવક મેળવનાર મહિલા
- નવલબેન ચૌધરી (નગાણા, વડગામ) 1.63 કરોડ આવક
- ઝવેરી તસલીમબેન (બસુ, વડગામ) 1.59 કરોડ આવક
- રાજપૂત દરિયાબેન (શેરુપુરા, ડીસા) 1.35 કરોડ આવક
- લોહ નીતાબેન (સગ્રોસણા, પાલનપુર) 1.31 કરોડ આવક
- સાલેહ મિસરા અમીન ( બસુ, વડગામ) 1.25 કરોડ આવક
