Ambaji News: બનાસકાંઠા જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ધામ ખાતે નૂતન વર્ષના પાવન પ્રારંભે શ્રદ્ધા અને સમર્પણનો અદભુત નજારો જોવા મળ્યો છે. દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ મા અંબાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા, જેમાં દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યના ચેન્નાઈ ખાતે સ્થાયી થયેલા અને મૂળ રાજસ્થાનના વતની એવા ભાવિક પણ સામેલ હતા. તેમણે સહપરિવાર અંબાજી પહોંચી મા અંબાના ચરણોમાં 200 ગ્રામ સોનાનો નવલખો હાર ભેટ ધર્યો હતો.
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી આવેલા આ ધાર્મિક પરિવારે મા અંબાના ગર્ભગૃહમાં દિવ્ય દર્શન કર્યા અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર માતાજીની વિશેષ પૂજા-અર્ચના સંપન્ન કરી હતી. ત્યારબાદ તેમણે માતાજીના અલૌકિક શણગાર હેતુ અંદાજે 200 ગ્રામ વજન ધરાવતો શુદ્ધ સોનાનો કલાત્મક નવલખો હાર અર્પણ કર્યો હતો. વર્તમાન બજારભાવ મુજબ આ સુવર્ણ આભૂષણની કિંમત આશરે રૂ. 26.91 લાખ આંકવામાં આવી છે.
આ પણ વાંચો
આ કિંમતી સુવર્ણ ઘરેણું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મંદિરની ટેમ્પલ ઈન્સ્પેક્ટર ઓફિસ ખાતે વિધિવત રીતે જમા કરાવવામાં આવ્યું હતું. મંદિર પ્રશાસન દ્વારા સોનાની શુદ્ધતા અને વજનની ખરાઈ કર્યા બાદ આભૂષણની સત્તાવાર પહોંચ બનાવીને દાન સ્વીકારવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા દાતા ભક્ત પરિવારનું ખેસ પહેરાવી અને માતાજીનો પવિત્ર પ્રસાદ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
યાત્રાધામ અંબાજી કરોડો માઈભક્તોની આસ્થાનું અગ્રણી કેન્દ્ર છે, જ્યાં વર્ષ દરમિયાન સોના-ચાંદીના વિવિધ આભુષણો, સોનાના છત્ર, મુગટ અને રોકડ રકમનું દાન અવિરતપણે આવતું રહે છે. ખાસ કરીને દીપાવલી અને બેસતા વર્ષના મંગલ પર્વે વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ પોતાના નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં મા અંબાના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં અંબાજી આવે છે.
ચેન્નાઈના આ શ્રદ્ધાળુ પરિવારે પોતાના ધંધા-રોજગારમાં માતાજીની અવિરત કૃપા જળવાઈ રહે તથા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તે પાવન મનોકામના સાથે અમૂલ્ય સોનાનો હાર અર્પણ કર્યો હોવાનું જણાવ્યું હતું. નવા વર્ષના શુભ મુહૂર્તમાં મા અંબાના દરબારમાં આટલા મૂલ્યવાન આભૂષણનું દાન મળતા મંદિર પરિસરમાં ઉપસ્થિત અન્ય દર્શનાર્થીઓમાં પણ ભારે ભક્તિભાવ અને આશ્ચર્યનો માહોલ છવાઈ ગયો હતો.
