Ambaji Temple Road Closures: બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભવ્ય શક્તિ કોરિડોરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વિકાસકાર્યો અને અંડરપાસની કામગીરી દરમિયાન વાહનવ્યવહારમાં કોઈ અડચણ ન આવે તે માટે અંબાજીમાં પ્રવેશતા બે રસ્તાઓ હાલ પૂરતા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે .
કયા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા?
અંબાજી ખાતે શક્તિ કોરિડોરના નિર્માણ કાર્ય અને અંડરપાસની કામગીરી ચાલી રહી હોવાથી બે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં ગામમાં પ્રવેશવા માટેનો જૂના નાકા પાસેનો મુખ્ય રસ્તો અંડરપાસની કામગીરીને પગલે બંધ કરી દેવાયો છે. તેમજ મંદિર ટ્રસ્ટના પાર્કિંગની બાજુમાં આવેલો સમર્પણની ગલી અને પંચાલ ભવન તરફ જતો રસ્તો પણ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે.
યાત્રિકો માટે અવરજવરનો નવો માર્ગ
અંબાજી આવતા મા અંબાના ભક્તોને તકલીફ ન પડે તે માટે બજારનો એકમાત્ર રસ્તો રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યો છે. જેથી અંબાજી આવતા તમામ યાત્રિકો અને દર્શનાર્થીઓએ બજારવાળા રસ્તા પરથી જ અવરજવર કરવાની રહેશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે: વાહનચાલકો અને યાત્રિકોની સુવિધા માટે દાંતા રોડ અને હડાદ રોડ પર વિશેષ પાર્કિંગ સ્થળો ઊભા કરવામાં આવ્યા છે.
મંદિર ટ્રસ્ટની દર્શનાર્થીઓને ખાસ અપીલ
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મા અંબાના દર્શનાર્થે આવતા તમામ યાત્રિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, સમૂહમાં કે પરિવાર સાથે દર્શન માટે આવતા ભક્તો અલગ-અલગ વાહનો લાવવાને બદલે એક જ વાહનમાં 4 થી 5 લોકો સાથે આવે. આનાથી શહેરમાં વાહનોની સંખ્યા ઘટે અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સુગમતા રહે.
