Ambaji Temple: ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં ભાદરવી પૂનમ મેળા પહેલા મંદિર ટ્રસ્ટે એક અગત્યનો નિર્ણય લીધો છે. અંબાજી મંદિરના સોનાના શિખર પર 5 મીટરથી વધુ લાંબી ધજા ચઢાવવા પર ગયા વર્ષે મૂકાયેલો પ્રતિબંધ આ વર્ષે પણ યથાવત્ત રાખવામાં આવશે. યાત્રિકો અને શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાને લઈને આ નિયમ લાગુ કરવામાં કરવામાં આવ્યો છે.
નાની ધજાઓને રોહણ કરવાની મંજૂરી
મંદિર ટ્ર્સ્ટ દ્વારા કરાયેલા ટેક્નિકલ સર્વેમાં સામે આવ્યું કે,મંદિરના શિખર પર ચઢાવવામાં આવતી બાવન ગજની ધજા સહિતના લાંબી ધજાઓના ભારે વજન અને પવનના ઘર્ષણના લીધે 15 વર્ષ જૂના ધ્વજદંડને નુકસાન થઈ રહ્યું છે. મંદિરના શિખર પર ધ્વજદંડ વધારે ક્ષતિગ્રસ્ત થવાથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી મંદિર ટ્રસ્ટે આ નિર્ણય લીધો છે. જેમાં હવે 5 મીટરની નાની ધજાઓ રોહણ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ગયા વર્ષે 3 કલાક ધ્વજારોહણ બંધ રહ્યું
અંબાજી ધામમાં ગયા વર્ષે ભાદરવી પૂનમના મેળાના દિવસે ધ્વજદંડના મુદ્દાને લઈને મંદિર શિખર પર 3 કલાકથી વધુ સમય સુધી ધ્વજારોહણ બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ અંબાજી મંદિર ટ્રસ્ટે લાંબી ધજાઓને લઈને મોટો નિર્ણય લીધો હતો. આ વર્ષે મેળો શરુ થાય તે પહેલા ટ્રસ્ટ દ્વારા સંઘના સંચાલકો સાથે બેઠક યોજી હતી. જેમાં સંઘ સંચાલકોને પાંચ મીટરથી વધારે લાંબી ધજાઓ ન લાવવા માટે વિનંતી કરાઈ હતી. જેને માન્ય રાખવામાં આવી હતી.
ગુજરાતના બીજા મંદિરોમાં ધ્વજારોહણ
અંબાજી ધામ સિવાય ગુજરાતના બીજા મુખ્ય મંદિરો છે, જ્યાં ધ્વજારોહણ થાય છે. યાત્રાધામ સોમનાથજી મંદિરના શિખર પર 27 ફૂટની ધજાનું આરોહણ કરવામાં આવે છે. શ્રીકૃષ્ણની દ્વારકામાં પણ જગતમંદિર ઉપર છેલ્લા 10 વર્ષથી ધ્વજારોહણનું બુકિંગ થાય છે. મંદિર ઉપર ભક્તો દ્વારા 156 ફૂટ સુધીની ધજા ચઢાવવામાં આવે છે. પાવાગઢ ધામ પર મહાકાળી માતાજીના મંદિરના શિખરે 2964 મીટર ધ્વજારોહણ ભક્તો દ્વારા કરાયાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલ છે.
