Ambaji Stone Pelting: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રાવણદહન કાર્યક્રમમાં કેટલાક અસમાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવતાં લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાવણદહન કાર્યક્રમમાં સર્જાયેલી અફરાતફરીમાં લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં એક ગર્ભવતી મહિલા, એક બાળકી સહિત 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે બીજી બાજુ સ્થળ પર એક પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું હતું.
રાવણદહન કાર્યક્રમમાં પથ્થમારો
મળતી માહિતી પ્રમાણે, યાત્રાધામ અંબાજી ખાતે રાવણદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઘણા બધા લોકો હાજર રહ્યા હતા. તે દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ અચાનક જ લોકો પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. જેમાં એક સગર્ભા મહિલા અને બાળકી સહીત 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, છેલ્લા ઘણા સમયથી અંબાજી યાત્રાધામ અને તેની આસપાસના વિસ્તારોમાં અસામાજિક તત્વોનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેથી લોકો પણ ભયના ઓથાર નીચે માતાજીના દર્શન કરવા જાય છે.
લોકોએ કાર્યવાહીની માંગણી કરી
રાવણદહન જેવા જાહેર કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં અસામાજિક તત્વોનો આતંક પોલીસ વ્યવસ્થા પર સવાલો ઉભા કરે છે. આ ગંભીર બનાવને પગલે લોકો અને યાત્રાળુઓમાં ભારે અસંતોષની લાગણી જોવા મળી રહી છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે અંગે લોકોએ ઉગ્ર માંગણી કરી છે. જોકે, પ્રાપ્ત વિગત મુજબ આ ઘટનાની હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી.
અસામાજિક તત્વોનો આતંક
ગુજરાતમાં ધાર્મિક કાર્યક્રમોમાં આવી ઘટનાઓમાં ધીમે ધીમે ઘણો વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ઘણા અસામાજિક તત્વો ધાર્મિક લાગણી દુભાવવા કે હિંસા ભડકાવવા માટે આવા કૃત્યો આચરતા હોય છે. તેની સામે કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. અસામાજિક તત્વોના લીધે વિસ્તારમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જોખમાય છે.
