Ambaji Bhadravi Poonam Mela 2026: વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં દેશભરમાંથી ઉમટી પડતા લાખો માઈભક્તોની આરામ, સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી ભક્તો માટે અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
મંદિર પરિસર પાસે અત્યાધુનિક એસી અને વોટરપ્રૂફ ડોમ
યાત્રિકોને થાક, તડકા અને વરસાદથી રક્ષણ મળી રહે તે માટે મંદિર પરિસરની નજીક જ એક વિશાળ એર-કન્ડિશન્ડ (AC) અને વોટરપ્રૂફ વિશ્રામ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.
આ અદ્યતન ડોમમાં ભક્તો માટે નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે-
- આરામદાયક બેઠક વ્યવસ્થા અને ગાદલા-ઓશીકાં
- શુદ્ધ અને ઠંડા પીવાની પાણીની વ્યવસ્થા
- મહિલાઓ અને પુરુષો માટે અલગ શૌચાલય
- મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ
- સામાન સુરક્ષિત રાખવા માટે ડિજિટલ લોકર્સ
- સીસીટીવી (CCTV) કેમેરા દ્વારા સઘન સુરક્ષા અને પ્રાથમિક સારવારની સુવિધા
પદયાત્રીઓ માટે રસ્તામાં 20 જેટલા વિસામા
લાંબી પદયાત્રા કરીને અંબાજી પહોંચતા સંઘો, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સગવડ માટે રસ્તામાં વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે. અંબાજીથી હડાદ રોડ, દાંતા રોડ, ગામના વિવિધ વિસ્તારો અને ગબ્બર રોડ સહિતના મુખ્ય માર્ગો પર અંદાજે 20 જેટલા હંગામી વિશ્રામ મંડપો અને વિસામા ઊભા કરવામાં આવ્યા છે. કામાક્ષી મંદિર સંકુલ, જૂની કોલેજનું મેદાન, 51 શક્તિપીઠ સર્કલ અને આપેશ્વર મહાદેવ મંદિર પાસે ભક્તો માટે આરામ કરવાની ઉત્તમ સગવડ છે. આ ઉપરાંત, સફાઈ કર્મચારીઓ અને પોલીસ આવાસ માટે પણ અલગથી વિશ્રામ વ્યવસ્થા કરવામાં આવી છે.
શ્રદ્ધાળુઓમાં સરકાર અને વહીવટી તંત્ર પ્રત્યે કૃતજ્ઞતા
દિવાળીબા વિસ્તાર અને વિવિધ માર્ગો પર બનેલા આ વિસામાઓથી ભક્તોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. દાહોદથી આવેલા યાત્રાળુ રિતેશભાઈએ જણાવ્યું હતું કે રસ્તામાં મળેલા વિસામા ખાતે ખાટલા, તકિયા, બેગ મૂકવા માટે કબાટ અને મોબાઈલ ચાર્જિંગ જેવી ઉત્તમ સગવડો મળી છે.
તે જ રીતે, ઉદયપુરના ઋષભદેવથી 45 લોકોના સંઘ સાથે આવેલાં યાત્રાળુ ટીનાબેને ભાવુક થઈને કહ્યું હતું કે- અહીં સૂવા માટે બેડ, નહાવા-ધોવાની અને ખાવા-પીવાની એવી સરસ વ્યવસ્થા છે કે જાણે ઘર જેવો જ અનુભવ થાય છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા આ તમામ સ્થળો પર સ્વચ્છતા અને સુવિધાઓ જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી મા અંબાના દર્શને આવતા પ્રત્યેક માઈભક્તની યાત્રા યાદગાર અને સુગમ બની રહે.
