જીવતો રહીશ ત્યાં સુધી મા અંબાના ભક્તોની સેવા કરીશ.. 62 વર્ષથી અવિરત ચાલી રહી છે પેઢી દર પેઢીની આ અનોખી માનવસેવા

અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં નગીનભાઈ પટેલ દ્વારા છેલ્લા 62 વર્ષથી માઈભક્તો માટે લીંબુ શરબતની નિઃશુલ્ક સેવા અપાઈ રહી છે. કલેક્ટરે આ સેવકને બિરદાવ્યા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 21 Sep 2026 09:03 PM (IST)Updated: Mon, 21 Sep 2026 09:03 PM (IST)
ambaji-bhadravi-poonam-mela-62-years-of-free-lemon-sherbet-service

Ambaji Bhadravi Poonam mela 2026: ભાદરવી પૂનમના આસ્થાના મહાકુંભમાં લાખો માઈભક્તો મા અંબાના દર્શન માટે અંબાજી ધામે ઉમટી રહ્યા છે. આ પવિત્ર અવસરે દર્શનની ભક્તિ સાથે માનવસેવાનો અદ્ભુત ભાવ પણ ચારેય તરફ ધબકી રહ્યો છે. અંબાજીના ચાચર ચોક ખાતે વાસદ (તા. આણંદ)ના પટેલ નગીનભાઈ હાથીભાઈ દ્વારા છેલ્લા 62 વર્ષથી ચાલી આવતી લીંબુ શરબતની નિઃશુલ્ક સેવા આ વાતનું જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.

દાદાના સમયથી ચાલી આવતી સેવાની અનોખી પરંપરા

નગીનભાઈના દાદાના સમયથી શરૂ થયેલી આ સેવા આજે ત્રણ પેઢી વીતી ગયા બાદ પણ એટલા જ સમર્પણભાવ સાથે અવિરતપણે આગળ વધી રહી છે. દર વર્ષે મેળાના આઠમના દિવસે પોતાના જરૂરી સેવાકીય સામાન સાથે અંબાજી પહોંચતા નગીનભાઈ નોમથી લઈને પૂનમની બપોર સુધી માઈભક્તોની સેવામાં તલ્લીન રહે છે. તેમની આ નિઃશુલ્ક સેવામાં 50થી વધુ સમર્પિત સેવકો જોડાઈને ચાચર ચોક વિસ્તારમાં 4 અલગ-અલગ કાઉન્ટર પરથી માઈભક્તોને ઠંડું લીંબુ શરબત પીરસી રહ્યા છે.

પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ બને છે ઠંડું લીંબુ શરબત

દૂર-દૂરથી હરિફાઈ ભરી લાંબી પદયાત્રા કરીને અંબાજી પહોંચેલા થાકેલા અને તરસેલા માઈભક્તો માટે આ ઠંડું લીંબુ શરબત કોઈ અમૃતથી કમ નથી હોતું. ગરમી અને થાક વચ્ચે મળતી આ તાજગી ભક્તોના શરીરમાં નવી સ્ફૂર્તિ ભરી દે છે. ‘જય અંબે’ના ગૂંજતા નાદ સાથે દર્શન તરફ આગળ વધતા માઈભક્તો માટે આ સેવા જાણે શ્રદ્ધાની યાત્રામાં મળતી પ્રેમભરી રાહત અને સાંત્વના બની રહે છે.

જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મુલાકાત લઈ સેવકોને બિરદાવ્યા

આ પ્રેરણાદાયી સેવાકેમ્પની જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ખાસ મુલાકાત લીધી હતી અને નગીનભાઈ પટેલની 62 વર્ષની અવિરત સેવાભાવનાની પ્રશંસા કરી હતી. કલેક્ટરશ્રીએ માત્ર સેવાયજ્ઞને નિહાળ્યો ન હતો, પરંતુ સ્વયં પોતાના હસ્તે માઈભક્તોને લીંબુ શરબતનું વિતરણ કરીને આ પવિત્ર કાર્યમાં સહભાગી બન્યા હતા. તેમણે નગીનભાઈ અને તેમની સમગ્ર સેવક ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે- ભાદરવી પૂનમના મેળામાં લાખો માઈભક્તો આસ્થા સાથે અંબાજી આવે છે. આવા સમયે વર્ષોથી સતત ચાલતી નગીનભાઈની આ સેવા શ્રદ્ધા અને સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 62 વર્ષ સુધી આ પ્રથા જાળવી રાખવી ખરેખર અદ્ભુત છે.

“જીવતો રહીશ ત્યાં સુધી સેવા કરતો રહીશ”

સમય બદલાયો, પેઢીઓ બદલાઈ ગઈ, પરંતુ નગીનભાઈનો સેવા પ્રત્યેનો અડગ સંકલ્પ આજે પણ પહેલા જેવો જ મજબૂત છે. તેઓ ભાવુક થઈને જણાવે છે કે- દાદાના સમયથી શરૂ થયેલી આ સેવા આજે પણ અવિરત ચાલી રહી છે. જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે અને જીવતો રહીશ, ત્યાં સુધી મા અંબાના ભક્તોની આ સેવા કરતો રહીશ.