મા અંબા પ્રત્યેની અતૂટ આસ્થા અને સમર્પણ સાથે 24 વર્ષથી અવિરત પદયાત્રા, સાત શ્રદ્ધાળુઓથી શરૂ થયેલો પદયાત્રાનો સંઘ આજે 550થી વધુ માઈભક્તો સાથે અંબાજી પહોંચ્યો

વર્ષોથી અંબાજી ભાદરવી પૂનમના મેળા સાથે જોડાયેલી પદયાત્રા માત્ર અંબાજી સુધી પહોંચવાનો માર્ગ નથી, પરંતુ માઈભક્તોની અતૂટ શ્રદ્ધા, સંકલ્પ, સમર્પણ અને માતાજી પ્રત્યેની ભક્તિની જીવંત અભિવ્યક્તિ બની છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 21 Sep 2026 08:17 PM (IST)Updated: Mon, 21 Sep 2026 09:02 PM (IST)
62

Ambaji Bhadravi Poonam mela 2026: અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમ મહામેળામાં લાખો માઈભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. જેમાં એકલ-દોકલ યાત્રાળુઓ ઉપરાંત વિવિધ ગામો અને શહેરોમાંથી આવતા પદયાત્રા સંઘો મેળાની આગવી ઓળખ બન્યા છે. વર્ષોથી અંબાજી ભાદરવી પૂનમના મેળા સાથે જોડાયેલી પદયાત્રા માત્ર અંબાજી સુધી પહોંચવાનો માર્ગ નથી, પરંતુ માઈભક્તોની અતૂટ શ્રદ્ધા, સંકલ્પ, સમર્પણ અને માતાજી પ્રત્યેની ભક્તિની જીવંત અભિવ્યક્તિ બની છે.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભુછાડ ગામથી અંબાજી પદયાત્રાએ આવેલા જતિન વસાવાએ જણાવ્યું હતું કે, “ભુછાડ ગામથી અમે અંબાજી માતાના દર્શન માટે આવીએ છીએ. અમારી સાથે સાડા પાંચસોથી વધુ પદયાત્રીઓ જોડાયેલા છે. છેલ્લા ૨૪ વર્ષથી અમે આ પદયાત્રા સાથે જોડાયેલા છીએ. શરૂઆતમાં માત્ર સાત વ્યક્તિઓએ સાથે મળીને આ પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ સાત વ્યક્તિઓની મનોકામના પૂર્ણ થયા બાદ આ યાત્રા પ્રત્યેની શ્રદ્ધા વધુ મજબૂત બની અને આજે આ પદયાત્રામાં સાડા પાંચસોથી વધુ માઈભક્તો જોડાઈ રહ્યા છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “મા અંબા પ્રત્યે જે સમર્પણ, ભાવ અને શ્રદ્ધા છે એ જ ભાવથી અમે દર વર્ષે આ પદયાત્રામાં જોડાઈએ છીએ. અમારી સાથે મોટી સંખ્યામાં નવયુવાનો તેમજ નોકરીયાત વર્ગના લોકો પણ જોડાય છે. મા અંબા પ્રત્યેની આ શ્રદ્ધા અને ભાવ દરેક માઈભક્તના હૃદયમાં હંમેશા જળવાઈ રહે તેવી અમારી પ્રાર્થના છે.”

પદયાત્રા સાથે જોડાયેલી લાગણી વ્યક્ત કરતાં જતિન વસાવાએ કહ્યું હતું કે, “આ પદયાત્રાની યાદ અમને માત્ર મેળાના દિવસોમાં જ નહીં, પરંતુ વર્ષના ૩૬૫ દિવસ આવતી રહે છે. મા જગદંબાએ અમારું કલ્યાણ કર્યું છે તેમ સમગ્ર લોકનું કલ્યાણ કરે તેવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના છે.”

અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં વિવિધ વિસ્તારોમાંથી આવી રહેલા આવા પદયાત્રા સંઘો ભક્તિ, શ્રદ્ધા અને સામૂહિક એકતાનો અનોખો સંદેશ આપી રહ્યા છે. માઈભક્તો માટે અંબાજીની પદયાત્રા એક ધાર્મિક પરંપરા સાથે ભાવનાત્મક જોડાણનું પણ પ્રતિક બની છે.