અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ: દર્શનાર્થીઓનો આંકડો 40 લાખ પાર જવાની શક્યતા, જાણો

અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો આજે અંતિમ દિવસ છે. 6 દિવસમાં 38 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા અને ભંડારાની આવક ₹1.83 કરોડ વટાવી ગઈ છે. આજે કુલ દર્શનાર્થીઓનો આંકડો 40 લાખ પાર જવાની શક્યતા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 26 Sep 2026 08:19 AM (IST)Updated: Sat, 26 Sep 2026 08:19 AM (IST)
ambaji-bhadarvi-poonam-mela-2026-last-day-temple-donation-and-total-pilgrims

Ambaji Bhadarvi Poonam Mela 2026: પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધા, ભક્તિ અને શક્તિના મહાસંગમ સમા ભાદરવી પૂનમના મેળાનો આજે સાતમો અને અંતિમ દિવસ છે. ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં માતાના ભક્તો મા અંબાજીના દર્શન કરીને ધન્ય બની ગયા છે. ગુજરાત અને બીજા રાજ્યના લાખો લોકો પગપાળા, સંઘો લઈને માતાના ધામે પહોંચ્યા હતા. આજે ભાદરવી પૂનમના મહામેળાનો અંતિમ દિવસ હોવાથી ભક્તોનું ઘોડાપૂર મા અંબાના દર્શને પહોંચશે.

ભંડારાની આવકમાં કેટલો વધારો થયો

ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ મન મૂકીને માતાને દાન અર્પણ કર્યુ છે.મહામેળાના છઠ્ઠા દિવસે ભંડાર કાઉન્ટર પરથી કુલ 29,63,582 જેટલી આવક નોંધાઈ હતી. જયારે મહામેળાની છ દિવસની કુલ આવક 1,83 કરોડથી વધુ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. આજે અંબાજી મહામેળાનો સાતમો દિવસે લાખો ભક્તોનો પ્રવાહ અવિરત આવી રહ્યો છે. ભક્તો સાતમા દિવસે માતાના ભંડાર કાઉન્ટર પર દાન કરશે. તો દાનની રકમમાં વધારો થશે.

સાતમા દિવસે દર્શનાર્થીઓનો આંકડો

લાખોની સંખ્યામાં માઈભક્તો 'બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષ' સાથે માતા અંબાજીના દર્શને પહોંચી રહ્યા છે. ભક્તિ અને આસ્થાના મહાસાગર સમા મહામેળામાં છઠ્ઠા દિવસે કુલ 3,72,126 માઈભક્તોએ માતા અંબાજીના દર્શન કરીને ધન્ય બન્યા હતા. જ્યારે છ દિવસમાં દર્શનાર્થીઓની કુલ સંખ્યા 38,23,469 પર પહોંચી ગઈ છે. આજે મહામેળાનો સાતમો દિવસ છે. જેથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 40 લાખથ વધુ દર્શનાર્થીઓ માતાના દર્શન કરશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

એસટી કર્મીઓ અને સફાઈ કર્મીઓનું સન્માન

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈભક્તોની સેવા માટે દિવસ-રાત કાર્યરત સફાઈ કર્મીઓ તથા એસ.ટી. વિભાગના કર્મચારીઓનું બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત શુંબે દ્વારા સફાઈ કર્મીઓ અને એસ.ટી. કર્મચારીઓને ગુલાબનું ફૂલ તથા માતાજીનો ખેસ પહેરાવી, માતાજીની પ્રસાદી આપી તેમની સેવા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવવામાં આવી હતી.