Ambaji Bhadarvi Poonam Mela 2026: સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને લોકોના આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી ખાતે જગતજનની મા અંબાજીના ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળાનું હર્ષોલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે. મેળામાં ગુજરાતના ખૂણે ખૂણેથી અને બીજા રાજ્યોથી લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે મેળાના પ્રથમ દિવસે જ બોલ મા અંબે જય જય અંબે.. ના ગગનભેદી નારા સાથે 4,37,850થી વધુ માઈભક્તોએ માતા અંબાજીના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી.
પ્રથમ દિવસે ભંડારામાં 32 લાખથી વધુની આવક
ભક્તિ અને શ્રદ્ધાના પ્રતિક સમાન મહામેળામાં પહેલા દિવસે જ મા અંબાજીના શ્રીચરણોમાં શ્રદ્ધાળુઓએ ખુલ્લા મને દાન અર્પણ કર્યું. પહેલા જ દિવસે મંદિરના ભંડારામાં કુલ 32.89 લાખનો ચડાવો નોંધાયો છે. સુરત, દાહોદ, મહેસાણા જિલ્લાઓ સહિત બીજા રાજ્યોના ઘણા ભક્તો અને સંઘો પગપાળા માતા અંબાજીના ધામે પહોંચી રહ્યા છે. ભક્તો થાક્યા છે. છતાં માતા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા તેમને થાકવા દેતી નથી. અને બોલ મારી અંબે અને જય હો માતા અંબાજીના નારા સાથે આગળ વધી રહ્યા છે. તેમજ કુલ 4,37,850 ભક્તો મેળાના પ્રથમ દિવસે નોંધાયા છે.
ડ્રોન પુષ્પવર્ષા કરીને મેળાનો કરાયો પ્રારંભ
ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ, પ્રભારી મંત્રી કમલેશ પટેલ અને એસપી પ્રશાંત સુબેની ખાસ ઉપસ્થિતિમાં થયો હતો., મા અંબાના દિવ્ય રથનું ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા પાઠ કરીને રથ ખેંચીને મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શુભપ્રસંગે ડ્રોન દ્વારા રથ પર પુષ્પ વર્ષા કરવામાં આવતા હજારો ભક્તો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
યાત્રાળુઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા
ગુજરાત સહિત બીજા રાજ્યોના લોકો પણ ભાદરવી પૂનમના મહામેળામાં સહભાગી થવા માટે આવી રહ્યા છે. લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ સાત દિવસ સુધી માતાના દર્શને આવનાર છે. તેને લઈને વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. જેથી માઈભક્તોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે. પગપાળા આવતા ભક્તજનો માટે રસ્તામાં શેડ અને આરામગૃહ, સળંગ માર્ગો પર પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા. ભીડ નિયંત્રણ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરાઈ છે. જેથી ભક્તો કોઇ પણ પ્રકારની ચિંતા કે મુશ્કેલી વિના માતાના દર્શને જઈ શકે.
ચાચર ચોક બન્યો સેલ્ફી પોઈન્ટ
આ વર્ષે મેળામાં મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવાની છૂટ આપવામાં આવતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચાચર ચોકમાં દર્શન કર્યા બાદ ભક્તો પોતાના પરિવાર સાથે યાદગાર સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લેતા નજરે પડ્યા હતા. વર્ષોથી આવતા શ્રદ્ધાળુઓ માટે આ એક નવો અને સુખદ અનુભવ રહ્યો હતો.
