Ambaji Bhadarvi Poonam Fair 2026: અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા 2026માં દર્શનાર્થે આવતા લાખો માઈભક્તોની મુસાફરી સુગમ બનાવવા માટે એસ.ટી. નિગમ દ્વારા 1004 વધારાની ખાસ બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. યાત્રિકોની સુવિધા માટે ગબ્બર-અંબાજી અને અંબાજી-દાંતા વચ્ચેના ભાડામાં રૂ. 5 સુધીનો ઘટાડો કરવા સાથે પર્યાવરણની જાળવણી માટે તમામ બસોમાં કચરાપેટી મૂકીને સ્વચ્છતાનું વિશેષ આયોજન હાથ ધરાયું છે.
અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં ઉમટી રહેલા લાખો માઈભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) પાલનપુર વિભાગ દ્વારા સુરેખ અને સુરક્ષિત મુસાફરીના સંકલ્પ સાથે તા.20થી 26 સપ્ટેમ્બર દરમિયાન વિશેષ એસ.ટી. બસ સેવાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં યાત્રાળુઓની ભારે ભીડને પહોંચી વળવા પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ એમ ચાર વિભાગોની આશરે 1004 વધારાની બસો માઈભક્તોની સેવામાં દોડશે.
વિભાગીય ટ્રાફિક ઓફિસર વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો માઈભક્તોને સરળ, સુગમ અને સલામત પરિવહન સેવા મળી રહે તે માટે એસ.ટી. વિભાગ દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિવિધ વિસ્તારોમાંથી અંબાજી માટે સીધી એસ.ટી. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મેળાના પ્રથમ દિવસે જ 150 જેટલી ટ્રિપ થઈ હતી.
માઈભક્તોની લાગણી અને માંગને ધ્યાને લઈ ગબ્બરથી અંબાજીનું ભાડું રૂ.25થી ઘટાડી રૂ.20 તથા અંબાજીથી દાંતા સુધીનું ભાડું રૂ.40થી ઘટાડી રૂ.35 કરવામાં આવ્યું છે. યાત્રિકોના સરળ સંચાલન માટે કુલ 10 બુથ અને 4 પોઈન્ટ પરથી વિવિધ રૂટની બસોનું સંચાલન કરવામાં આવશે.
માઈભક્તોને બસની રાહ જોવામાં અગવડ ન પડે તે માટે અંબાજી ખાતે હંગામી બસ સ્ટેશન, મંડપ, શૌચાલય, પીવાના પાણીની સુવિધા, માઈક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને કંટ્રોલ રૂમ સહિતની જરૂરી પેસેન્જર એમિનિટીઝ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ ટ્રાફિકનું સુગમ સંચાલન થાય તે માટે વન-વે વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. ડીસા-પાલનપુર તરફથી આવતી બસો વિરમપુર–ગબ્બર માર્ગે અંબાજી પહોંચશે અને પરત ફરતી બસો આબુ રોડ માર્ગે સંચાલિત થશે.
માઈભક્તોની યાત્રાને ભક્તિમય બનાવવા કેટલીક વિશેષ એસ.ટી. બસોને આકર્ષક રીતે શણગારવામાં આવી છે, જેમાં ભજન મંડળી અને ધૂનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે જ મેળાને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત રાખવાના પ્રયાસરૂપે બસોમાં કચરાપેટીની વ્યવસ્થા તેમજ યાત્રાળુઓને ઈકો-ફ્રેન્ડલી બેગનું વિતરણ કરવામાં આવશે. આમ, એસ.ટી. વિભાગ દ્વારા માઈભક્તોને સુગમ પરિવહન સાથે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને ભક્તિમય યાત્રાનો અનુભવ મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
અંબાજીના પવિત્ર ધામે મા અંબાના દર્શને આવતા દરેક માઈભક્તની યાત્રા સુગમ, સુરક્ષિત, સુખદ અને ભક્તિમય બને તે માટે GSRTC પાલનપુર વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. “માઈભક્તોની સેવા એ જ અમારી ફરજ”ના ભાવ સાથે એસ.ટી. નિગમ મેળા દરમિયાન સતત કાર્યરત રહેશે.
રાજસ્થાનના ખેરવાડાના માઈભક્ત દેવિલાલ લુહારે જણાવ્યું છે, “રાજ્ય સરકાર દ્વારા અંબાજી મેળામાં એસ.ટી. બસોની ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અમને અંબાજી સુધી આવવામાં તેમજ ગબ્બરથી દર્શન માટે જવામાં પણ બસની સરસ સગવડ મળી. કોઈ મુશ્કેલી પડી નથી અને ખૂબ જ સરસ રીતે મા અંબાના દર્શન કર્યા. સરકારની વ્યવસ્થા બદલ ખૂબ આભાર.”
“અમે અંબાજી આવ્યાં ત્યારે પણ એસ.ટી. બસની સારી સુવિધા મળી અને હવે પરત જવા માટે પણ બસની વ્યવસ્થા છે. ક્યાંય કોઈ તકલીફ પડી નથી, બસમાં બેસવા માટે સીટ પણ મળી છે. માઈભક્તોની સુવિધા માટે સરકાર દ્વારા કરવામાં આવેલી આ સુંદર વ્યવસ્થા બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ.”
