Ambaji Bhadarvi Poonam Mela 2026: જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજીમાં ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમાન ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬નો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. મહામેળાના પ્રથમ દિવસે જ અંબાજી ધામમાં માઈભક્તોની અભૂતપૂર્વ ભીડ જોવા મળતાં સમગ્ર અંબાજી “જય અંબે... જય અંબે...”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. દેશના વિવિધ વિસ્તારોમાંથી મા અંબાના દર્શન માટે આવેલા માઈભક્તોના કારણે અંબાજી ધામ જાણે શ્રદ્ધાના માનવમહેરામણમાં પરિવર્તિત થયું હોય તેવું ભક્તિમય દૃશ્ય સર્જાયું હતું.
મા અંબા પ્રત્યેની અતૂટ આસ્થા અને મનોકામના પૂર્ણ થવાની શ્રદ્ધા સાથે માઈભક્તો પગપાળા તેમજ વિવિધ વાહનો મારફતે અંબાજી ધામે પહોંચ્યા હતા. પ્રથમ દિવસથી જ દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. હાથમાં માતાજીની ધજા, હોઠ પર “જય અંબે”નો જયઘોષ અને હૃદયમાં મા અંબાના દર્શનની ભાવના સાથે હજારો ભક્તો ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા.

ભાદરવી પૂનમનો મેળો માત્ર મેળો નહીં પરંતુ મા અંબાના ચરણોમાં શ્રદ્ધા, સંકલ્પ અને મનોકામના અર્પણ કરવાનો પવિત્ર અવસર છે. વર્ષોથી લાખો માઈભક્તો મા અંબાના દર્શન માટે અંબાજી ધામની પાવન ભૂમિ પર આવે છે. અનેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાજીના આશીર્વાદ લેવા આવે છે, તો અનેક ભક્તો નવી મનોકામના અને સંકલ્પ સાથે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવે છે.
મહામેળાના પ્રથમ દિવસે જ જોવા મળેલી માઈભક્તોની વિશાળ ઉપસ્થિતિથી અંબાજી ધામમાં આસ્થાનો અદભૂત માહોલ સર્જાયો છે. મંદિર પરિસરથી લઈને વિવિધ માર્ગો પર ભક્તોની લાંબી કતારો અને ચોતરફ સંભળાતો માતાજીનો જયઘોષ ભક્તિની અનોખી અનુભૂતિ કરાવી રહ્યો છે. મા અંબા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસને પગલે મેળાના પ્રથમ દિવસે જ આટલી મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટ્યા હોવાનું દૃશ્ય આ વખતના મહામેળાની વિશેષતા બની રહ્યું છે.
પ્રથમ દિવસથી જ જોવા મળેલા આ અભૂતપૂર્વ ભક્તિસભર માહોલને જોતા આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજી ધામે ઉમટી પડે તેવી સંભાવના છે. ભક્તિના આ મહાપર્વમાં અંબાજી ધામ જાણે ‘માતાજીના ચરણોમાં પહોંચતી લાખો શ્રદ્ધાઓનું પવિત્ર સંગમસ્થળ’ બની ગયું છે.
મા અંબાના દર્શન માટે નીકળેલો દરેક ભક્ત પોતાના હૃદયમાં એક જ ભાવ લઈને અંબાજી પહોંચી રહ્યો છે—“હે મા, તારા ચરણોમાં અમારી શ્રદ્ધા સ્વીકારજે અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવજે.”

“છેલ્લા 20 વર્ષથી અંબાજી આવીએ છીએ,પરંતુ આ વખતે પ્રથમ દિવસે જ અદભુત માહોલ” : સ્મિત પટેલ, શ્રદ્ધાળુ વડોદરા
અમે વડોદરાના સેવાસી ગામથી આવીએ છીએ. છેલ્લા ૨૦ વર્ષથી અમે ચાલતા આવીએ છીએ અંબાજીના ધામે. ભાદરવી પૂનમના મેળામાં આવીએ છીએ અમે. આજે ભાદરવી પૂનમનો મેળો છે, પ્રથમ દિવસ છે. સુવિધા બહુ સારી છે અંદર, પ્રસાદનું વિતરણ પણ સારું થાય છે, પોલીસનો સાથ-સહકાર પણ સારી રીતે મળે છે. પબ્લિકનો ઘસારો તમે જુઓ તો આજુબાજુ બધી પબ્લિક જ પબ્લિક તમને જોવા મળે છે. બહુ સારી પબ્લિક અંબાજીમાં ઉમટી છે. જય અંબે!"

“છેલ્લા 25-26 વર્ષથી પગપાળા અંબાજી આવીએ છીએ, આ વખતે પણ દર્શન વ્યવસ્થા ખૂબ જ સરસ છે: પરેશ ભાવસાર શ્રદ્ધાળુ અમદાવાદ
અમે અમદાવાદ સૈજપુર બોઘા નરોડાથી છેલ્લા ૨૫ થી ૨૬ વર્ષથી ચાલતા આવીએ છીએ પગપાળા. આજે મેળાનો પ્રથમ દિવસ છે, વહીવટી તંત્ર અને મંદિરની વ્યવસ્થા સરસ છે. દર્શન પણ શાંતિપૂર્વક બહુ વ્યવસ્થિત રીતે થઈ ગયા.
