Ambaji Bhadarvi Poonam 2025: અમદાવાદના માઇભક્તની અતુટ શ્રદ્ધા, અંબાજી ભાદરવી પૂનમના મેળોમાં ડૉ. પંકજ નાગરની 37મી પદયાત્રા પૂર્ણ

પંકજ ભાઈ નાગરની મા અંબા પ્રત્યેની અનોખી અતૂટ શ્રદ્ધાને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે અને તેમની અવિરત અંબાજી પદયાત્રાના 34 વર્ષે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધ લેવાઈ છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 03 Sep 2025 07:06 PM (IST)Updated: Wed 03 Sep 2025 07:06 PM (IST)
ambaji-bhadarvi-poonam-2025-devotee-dr-pankajbhai-nagar-completes-37th-padayatra-596788

Ambaji Bhadarvi Maha Mela 2025: કેટલાક માઇ ભક્તો એવા છે કે જેમણે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ કહેવતને સાર્થક કરી બતાવી છે. આવા જ એક માઇ ભક્ત એટલે અમદાવાદના ડૉ. પંકજભાઈ નાગર…કે જેઓ સતત 36 વર્ષથી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં માં અંબાના દર્શન કરવા આવે છે. આ વર્ષે તેમણે ભાદરવી મેળામાં ૩ જી સપ્ટેમ્બરના રોજ અંબાજી આવી તેમની 37 મી પદયાત્રા પૂર્ણ કરી છે.

પંકજ ભાઈ આજે 72 વર્ષના થયા છે ત્યારે કહી શકાય કે તેમની અડધી જિંદગી પદયાત્રામાં મા અંબાના ખોળે પસાર થઈ છે. તેઓ પોતાની પદયાત્રા વિશે કહે છે કે આ પદયાત્રા નથી જિંદગીની સફર છે, મારી અડધી જિંદગી પદયાત્રામાં ગઈ છે, મા અંબાના આશીર્વાદ અને કૃપાથી જ હું આ ઉંમરે પણ મા અંબાના દર્શન માટે આવી શકું છું. મારો સંકલ્પ છે કે હું જીવીશ ત્યાં સુધી મા અંબાજી ની પદયાત્રા કરીશ.

પંકજ ભાઈ નાગરની મા અંબા પ્રત્યેની અનોખી અતૂટ શ્રદ્ધાને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે અને તેમની અવિરત અંબાજી પદયાત્રાના 34 વર્ષે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધ લેવાઈ છે. તેમની આ અદભુત અને વિરલ સિદ્ધિ ને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે.

તેમણે પોતાની 36 વર્ષની પદયાત્રાના સ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે છેક 1988 થી પોતાની પ્રથમ પદયાત્રા તેમણે પત્ની ગીરા નાગર સાથે શરુ કરેલી. 36 વર્ષના વહાણા વાઈ ગયા જેમાં કેટલીયવાર પ્રતિકૂળ સંજોગો સર્જાયા, કોરોના જેવી મહામારી આવી, મા એ અનેકવાર પરીક્ષા કરી અને યાત્રા ન થઈ શકે એવા સંજોગો ઉભા થયા પરંતુ તેમણે મા અંબા પ્રત્યેની ભક્તિ ટકાવી રાખી અને ચાલુ વર્ષે પોતાની 37 મી પદયાત્રા નિર્વિધ્ને પૂર્ણ કરી છે.