Ambaji Bhadarvi Maha Mela 2025: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળામાં લાખો યાત્રાળુઓ પહોંચ્યા છે. યાત્રાળુઓને આરોગ્ય સંબંધિત કોઈ મુશ્કેલી ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ મેળા વિસ્તારમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો ઉભા કર્યા છે.
મેળાની શરૂઆતમાં આશરે 850 જેટલા દર્દીઓએ સારવાર લીધી હતી. બાદમાં યાત્રાળુઓની સંખ્યા વધતા ત્રીજા દિવસે જ 2200થી વધુ ઓપીડી થઈ હતી. મેળાના ચોથા દિવસ સુધીમાં કુલ 6470 યાત્રાળુઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો છે.
આરસીએચઓ ડૉ. બ્રિજેશ વ્યાસ જણાવ્યું કે મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા ખોડીવલ્લી ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ છેલ્લા ચાર દિવસથી ફરજ બજાવી રહ્યા છે. મેળો સંપન્ન થાય ત્યાં સુધી આરોગ્ય વિભાગ ખડેપગે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવા પ્રતિબદ્ધ છે.
ખોડીવલ્લી સર્કલ પાસે કાર્યરત પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડૉ. હિરેનકુમાર દેસાઈએ આપેલી માહિતી અનુસાર હાલની સ્થિતિ મેળામાં 6317 ઓપીડી, 153 આઈપીડી તથા 8 દર્દીઓને સિવિલ હોસ્પિટલ અંબાજી ખાતે રીફર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની તબીબી ટીમો સતત સેવાભાવે કાર્યરત રહી યાત્રાળુઓને મદદરૂપ બની રહી છે.
અંબાજી મંદિરના ચાચર ચોકમાં આવેલ પ્રાથમિક સારવાર કેમ્પના મેડિકલ ઓફિસર ડૉ. નિશા ડાભી જણાવે છે કે દરરોજના અંદાજિત 2000 થી વધુ પદયાત્રીઓને સેવા આપીએ છીએ. અત્યાર સુધી આઠ હજારથી વધુ દર્દીઓને પગમાં છાલા પડવા, શરીરમાં દુખાવા થવા, ચક્કર આવવા, ખેંચ આવવી જેવી અલગ અલગ પ્રકારની સારવાર આપવામાં આવી છે.