Banaskantha: બગસરાના મોટા મુંજીયાસર જેવી ઘટના ડીસાની શાળામાં બની, વિદ્યાર્થીઓએ એકબીજાને ચેલન્જ અને સોંગદ આપી હાથમાં બ્લેડ વડે કાપા માર્યા

શાળાના આચાર્ય શ્રવણભાઈ અનાવાડિયાએ જણાવ્યું કે, એક-બે વિદ્યાર્થીઓએ અમને જણાવ્યું કે તેમના ક્લાસના કેટલાક વિદ્યાર્થીઓએ હાથ પર કાપા પાડ્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 28 Mar 2025 12:58 PM (IST)Updated: Fri, 28 Mar 2025 12:58 PM (IST)
after-bagasara-incident-students-in-deesa-banaskantha-found-with-blade-marks-on-their-hands
HIGHLIGHTS
  • કાઉન્સેલિંગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

Banaskantha News: તાજેતરમાં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની મોટા મુંજીયાસર પ્રાથમિક શાળાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. જેમાં શાળામાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓએ 10 રૂપિયા શરત માટે પોતાના હાથ પર જાતેજ શાર્પનરની બ્લેડ વડે કાપા માર્યા હતા. ત્યારે આવોજ એક બનાવ હવે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાંથી સામે આવ્યો છે. ડીસાની રાજપુર પે સેન્ટર શાળામાં પણ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા એકબીજાને ચેલન્જ આપીને આ પ્રકારે હાથ પર બ્લેડથી કાપા માર્યા હોવાનો બનાવ બન્યો છે.

ડીસાની રાજપુર પે સેન્ટર શાળાના આચાર્ય શ્રવણભાઈ અનાવાડિયાએ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, શાળાના વિદ્યાર્થીઓમાં ઓનલાઈન ગેમ્સ વિશે જાગૃતિ આવે તે માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં વિદ્યાર્થીઓને આવી ગેમ્સ ન રમવા અને તેના ગંભીર પરિણામો વિશે સમજાવવામાં આવ્યું હતું. આ દરમિયાન એક-બે વિદ્યાર્થીઓએ અમને જણાવ્યું કે તેમના ક્લાસના કેટલાક વિદ્યાર્થીઓએ હાથ પર કાપા પાડ્યા છે. અમે તપાસ કરી તો એક વિદ્યાર્થીના હાથ પર કાપા અને લીસોટા જોવા મળ્યા. જ્યારે અમે વિદ્યાર્થીને પૂછ્યું કે તે આવું કેમ કરી રહ્યો છે, ત્યારે તેણે જવાબ આપ્યો કે તેના એક મિત્રએ તેને પૂછ્યું હતું કે શું તે પોતાના હાથ પર કાપા પાડી શકે છે, અને તેને પડકાર ફેંક્યો હતો કે શું તેનામાં એટલી હિંમત છે. જેના જવાબમાં વિદ્યાર્થીએ કહ્યું હતું કે હા, હું પણ કેમ ન કરી શકું, અને પછી તેણે પોતાના હાથ પર કાપા પાડ્યા હતા.

આચાર્ય શ્રવણભાઈએ વધુમાં જણાવ્યું કે, અન્ય એક વિદ્યાર્થીના હાથ પર પણ કાપા હતા. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે હાથ પર આવા કાપા કેમ માર્યા છે, ત્યારે તેણે જણાવ્યું કે તેના મિત્રએ તેના માતા-પિતાના સોગંદ આપ્યા હતા, જેના કારણે તેણે આવું કર્યું. શરૂઆતમાં, અમને લાગ્યું કે આ બાબતમાં વધારે કંઈ નથી, અને અમે બાળકોને સમજાવીને જવા દીધા. જો કે, બીજા દિવસે, અમે સમાચાર માધ્યમોમાં બગસરાની શાળામાં વિદ્યાર્થીઓએ બ્લેડથી હાથ પર કાપા માર્યા હોવાની ઘટના વાંચી. આ ઘટનાથી અમે અમારી શાળાના વિદ્યાર્થીઓ વિશે ગંભીર બન્યા અને હેલ્પલાઈન નંબર 1098 પર ફોન કર્યો. વધુમાં, અન્ય વિદ્યાર્થીઓ પણ આવા કોઈ ખોટા રવાડે ન ચડે તે માટે ગઈકાલે અમે કાઉન્સેલિંગનું આયોજન કર્યું હતું.

આચાર્ય કહ્યું કે, કાઉન્સેલિંગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મળી તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ બાળકો કોઇ ગેમ કો શિકાર બન્યા છે કે અન્ય કોઇ કારણ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. કાઉન્સલિંગ બાદ આ ઘટના ચર્ચામાં આવતા ઘણા બાળકો શાળામાં પણ નથી આવ્યા. પોલીસ પણ યુનિફોર્મમાં શાળામાં આવી છે તો બાળકો ડરી ગયા છે. અમારી વિનંતી છે કે શાળાના બાળકોના શિક્ષણ પર અસર ન થાય તેવી રીતે કામગીરી થવી જોઇએ.

આચાર્યએ જણાવ્યું કે, કાઉન્સેલિંગની ટીમે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમને માર્ગદર્શન આપ્યું હતું. આ બાળકો કોઇ ગેમનો શિકાર બન્યા કે પછી કોઇ અન્ય કારણ છે, તે અંગે તપાસ કરાઈ રહી છે. કાઉન્સેલિંગ બાદ આ ઘટના ચર્ચામાં આવી છે, ઘણા વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા નથી. પોલીસ પણ યુનિફોર્મમાં શાળામાં આવતા બાળકો ડરી ગયા છે. અમારી વિનંતી છે કે શાળાના બાળકોના શિક્ષણ પર અસર ન થાય તે રીતે કાર્યવાહી થવી જોઈએ.

આચાર્યએ ઉમેર્યું કે, કાઉન્સેલિંગની ટીમે પીડિત વિદ્યાર્થીઓના વાલીઓના ફોન પણ તપાસ્યા અને જોયું કે તેમાં આવી કોઈ ઓનલાઈન ગેમ છે કે નહીં, પરંતુ વાલીઓના મોબાઈલમાં આવી કોઈ ગેમ મળી નથી. તેમ છતાં ટીમ તપાસ કરી રહી છે. હાલમાં બાળકો એટલા ડરી ગયા છે કે શાળાએ આવતા ડરી રહ્યા છે. કદાચ વાલીઓ પણ ડરતા હશે કે કોઈ પોલીસ કાર્યવાહી થશે તો? આવા ડરને કારણે પણ બાળકોને શાળાએ ન મોકલ્યા હોય તેવું બની શકે છે.