Navsari: ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ચકચારી મર્ડરના ગુનામાં વર્ષ 1998થી વચગાળાના જામીન પરથી ફરાર થઈને પોતાની ઓળખ છુપાવી સાધુ થઇ ગયેલા આરોપીને નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે શંખેશ્વર પાટણ ખાતેથી 61 વર્ષના આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુને ઝડપી પાડ્યો હતો. આ અંગે નવસારી જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલએ જણાવ્યું હતું કે, નવસારી ક્રાઈમ બ્રાંચ દ્વારા વર્ષ 1998થી પેરોલ પર ભાગેલો મર્ડરનો આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી વર્ષ 1998માં જ્યુડીશીયલ કસ્ટડી પરથી વચગાળાના જામીન ઉપર બહાર આવ્યો હતો અને ત્યારબાદ તે નાસી ગયો હતો. આરોપીએ 1998માં એક લગ્ન સમારંભમાં હાજરી આપી હતી તે લગ્નના વીસીઆર મંગાવીને સૌ પ્રથમ આરોપીનો ફોટો કલેકટ કરવામાં આવ્યો હતો. હ્યુમન સોર્સથી માહિતી મળી કે આરોપી ઉતર ગુજરાતની અંદર પૂજારી બનીને રહે છે. વર્ષ 2024ના સાતમાં મહિનાથી આરોપીની શોધખોળ માટે પોલીસ કામે લાગી હતી અને ગયા અઠવાડિયે માહિતી મળતા પોલીસની ટીમે સાધુ બનીને પાટણ જિલ્લાના વિવિધ મંદિરોની તપાસ કરી હતી તે દરમિયાન આરોપી મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.
આ પણ વાંચો
જુલાઈ 2024માં એક સબંધીના ઘરે આરોપી પ્રભુદાસ સાધુના વેસમાં થોડો સમય હાજરી આપી હતી, જે બાદ તે ત્યાંથી ચાલી ગયો હતો. મહીસાગર જિલ્લાના કોઈ ગામમાં મહાદેવના મંદિરમાં પુજારીનું કામ કરે છે તે મુજબની માહિતી મળ્યા બાદ જિલ્લામાં આવેલા તમામ મહાદેવજીના મંદિરમાં તપાસ કરાઈ હતી અને વરેઠા ગામમાં આવેલા જયેશ્વર મહાદેવ મંદિરમાં પુજારીનું કામ કરતો હોય તેવી માહિતી મળી હતી. ત્યારે ત્યાં ચેક કરતા તે હાજર મળ્યો ન હતો અને એવી માહિતી મળી હતી કે આ મંદિરમાં પૂજારીનું કામ કરતા સાધુ છેલ્લા ઘણા સમયથી પાટણ શંખેશ્વર બાજુ ગયા છે. જેથી પીઆઈ ડી.એમ રાઠોડ અને પોલીસની ટીમે સાધુના વેશ ધારણ કરી એક અઠવાડિયા સુધી પાટણના અલગ અલગ મંદિરો ફરી શંખેશ્વર મોમાઈ માતાના મંદિર ખાતેથી આરોપી પ્રભુદાસ ઉર્ફે પ્રવીણ ચેતનદાસ સાધુની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી વચગાળાના જામીન પરથી છૂટી ધરપકડથી બચવા માટે ગુજરાત તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉતરપ્રદેશ, બિહાર જેવા અલગ અલગ રાજ્યોમાં મંદિર તેમજ આશ્રમોમાં આશ્રય મેળવતો હતો. તે છેલ્લા 10 વર્ષથી મહીસાગર જિલ્લાના વરેઠા ગામમાં આવેલા જ્યેશ્વર મહાદેવ મંદિરમાં પૂજારીનું કામ કરતો હતો.
આરોપીએ 04-04-1998ના રોજ ગણદેવી વિસ્તારમાં આવેલા ગડતની ખેતરની વાડીમાં પોતાના સાથી પરેશને માથાના ભાગે કુહાડીના ઘા મારી તેનું રૂમાલ વડે ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો જે બાદ તેની લાશ બાજુમાં આવેલા કોતરડામાં નાંખી તેની પર વેલા ઢાંકી દઈ ત્યાંથી ભાગી ગયો હતો. જો કે 13-04-1998ના રોજ આરોપી મહુવા કરચલીયા ખાતેથી પકડાયો હતો. જે બાદ આરોપીએ વચગાળા જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો, જેને 10-05-1998ના રોજ ફરી જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે આજદિન સુધી હાજર થયો ન હતો. હાલ આરોપી ફરી પકડાતા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો છે.
