Navsari News: નવસારી જિલ્લાના ખેરગામમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં માસૂમ પુત્રનો ભોગ લેવાયો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં રિસામણે બેઠેલી પત્ની પોતાના પુત્રને લેવા આવતી હોવાની જાણ થતાં પતિએ પોતાની પાસે રહેલા પુત્રને કૂવામાં ફેંકીને પોતે પણ કૂવામાં કૂદી પડ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખેરગામમાં રહેતા જગદીશ પટેલના લગ્ન પિનલ પટેલ સાથે થયા છે, જેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. જો કે છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે માથાકૂટ ચાલતી હોવાથી પુત્રી સાથે પીનલબેન પોતાના પિયર રહેતા હતા. જ્યારે તેમનો પુત્ર જય પતિ જગદીશ સાથે ખેરગામમાં રહેતો હતો.
આ પણ વાંચો
આજે પીનલબેન પોતાના પુત્રને મળવા માટે ખેરગામ આવી રહ્યાં હોવાની જાણ થતાં ગુસ્સે ભરાયેલા જગદીશે પત્નીને રસ્તામાં અટકાવી હતી અને તેને ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.
પત્ની પર હુમલો કરીને જગદીશ ઘરે આવ્યો હતો અને પુત્રને ઘરની પાછળ આવેલી વાડીના કૂવામાં ફેંકીને પોતે પણ કૂવામાં કૂદી પડ્યો હતો. આ બાબતની જાણ થતાં દોડી આવેલા ગ્રામજનોએ દોરડાની મદદથી જગદીશને કૂવામાંથી બહાર કાઢતા તે ફરાર થઈ ગયો હતો. જ્યારે તેના પુત્ર જયનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો.
આ બાબતની જાણ થતાં દોડી આવેલી ખેરગામ પોલીસે જયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જ્યારે પતિના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પીનલબેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ તો પોલીસે ફરાર થઈ ગયેલા જગદીશ પટેલની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
