Navsari News: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં દીપડાના હુમલાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે ઘરની બહાર નાહવા બેઠેલી 12 વર્ષની બાળકી પર દીપડાએ અચાનક હુમલો કરતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. માનસિક રીતે અસ્થિર બાળકી પર દીપડાએ હુમલો કરતાં પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોની બૂમાબૂમને પગલે દીપડો બાળકીને છોડીને જંગલ તરફ ભાગી ગયો હતો. છેલ્લા બે મહિનામાં બાળકો પર દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.
દીપડાએ હુમલો કરતા બાળકીએ ચીસો પાડી
આ પણ વાંચો
મળતી માહિતી અનુસાર, કેળકચ્છ ગામમાં સાંજના સમયે અંધારું થયા બાદ 12 વર્ષની બાળકી પોતાના ઘરની બહાર નાહવા બેઠી હતી. આ દરમિયાન નજીકમાં આવેલા શેરડીના ખેતર અથવા ઝાડી-ઝાંખરામાં છુપાયેલો દીપડો અચાનક બહાર આવ્યો હતો અને બાળકી પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલાથી બાળકીની ચીસો સંભળાતાં પરિવારજનો અને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોનો અવાજ સાંભળીને દીપડો ઇજાગ્રસ્ત બાળકીને ત્યાં જ છોડીને નજીકના જંગલ તરફ નાસી છૂટ્યો હતો.
દીપડાના હુમલાથી બાળકીને ઇજા પહોંચી
દીપડાના હુમલામાં બાળકીના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ બાદ પરિવારજનો અને ગ્રામજનોએ તાત્કાલિક તેને સારવાર માટે વાંસદાની હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં વાંસદા વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગના કર્મચારીઓએ દીપડાના પગલાંની તપાસ કરી હતી અને તે કઈ દિશામાં ગયો છે તે અંગે માહિતી મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
ગામમાં બનેલી આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરાં ગોઠવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી દીપડાની હિલચાલ પર નજર રાખી શકાય. વાંસદા તાલુકામાં છેલ્લા બે મહિનામાં દીપડા દ્વારા બાળકો પર હુમલો કરવાની આ ત્રીજી ઘટના છે વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ભય ફેલાયો છે.
