Navsari Leopard Attack: નવસારીના વાંસદા તાલુકાના ભીનાર ગામે અઢી વર્ષના બાળકને દીપડો ઉપાડી ગયો હતો.બીજી તરફ વન વિભાગ સહિતની ટીમો દ્બારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને કમનસીબે બાળકનો મૃતદેહ મળ્યો હતો. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે બીજી તરફ દીપડાને પકડવા માટે ૫ ટીમો બનાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, નવસારીના વાંસદા તાલુકાના ભીનાર ગામે અરુણ પટેલ પટેલ રહે છે. તેમનો અઢી વર્ષના દીકરા આરવ પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળક શૌચક્રિયા માટે ગયો હતો ત્યારે ત્યાં દીપડો આવી ચડ્યો હતો અને બાળકને ખેચીને જંગલમાં લઇ ગયો હતો. ઘટનાની જાણ પોલીસ તેમજ વન વિભાગને થતા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજીત 2 થી 3 કલાકની શોધખોળ બાદ બાળકનો મૃતદેહ ઘરથી 500 મીટર દૂર જંગલમાંથી મળી આવ્યો હતો. બાળકના મોતને લઈને તેનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
બાળકને દીપડો ખેંચી ગયો હોવાની આ ઘટનાને પગલે વાંસદા પૂર્વ અને પશ્ચિમ વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ગામના યુવાનો અને વનકર્મીઓએ હાથમાં મશાલ, ટોર્ચ અને લાકડા લઈને ભીનારના ગાઢ જંગલ વિસ્તારમાં બાળકની સઘન શોધખોળ આરંભી હતી. અંધારી રાતમાં જીવના જોખમે જંગલ ખૂંદવામાં આવ્યું હતું. બીજી તરફ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વન વિભાગે તાત્કાલિક જંગલ વિસ્તારમાં દીપડાને ઝડપી પાડવા માટે 10 થી વધુ પાંજરાઓ ગોઠવી દીધા છે.
વધુમાં મળતી માહિતી મુજબ, મૃત બાળકના પિતા તમિલનાડુમાં મજૂરી અર્થે ગયા છે, જેથી આટલા દૂરથી આવવા માટે તેમને વાર લાગે તેમ હોવાથી વન વિભાગે તેમના આવવા માટેની ફ્લાઇટની વ્યવસ્થા કરી આપી છે. જેઓ આજે બપોર સુધી મુંબઈ આવ્યા બાદ વન વિભાગની ટીમ તેમને લેવા માટે મુંબઈ જશે. જે બાદ બાળકના અંતિમ સંસ્કાર કરાશે.
ધરમપુર, વલસાડ નોર્થ ફોરેસ્ટ ડિવિઝનના ACF બગીરથસિંહ ઝાલાએ જણાવ્યું કે, ભીનાર ગામે દુર્ભાગ્ય પૂર્ણ બનાવ બન્યો છે, બે થી ત્રણ વર્ષના બાળકને દીપડો ઉપાડી ગયો હતો. બાળકનું મોત થયું છે, ઘટનાની જાણ થતા જ રેંજ ફોરેસ્ટ ઓફિસર અને પોલીસ સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ ગયા હતા. બાળકનો મૃતદેહ મળ્યો છે અને પીએમ સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમ બને તેમ જલ્દી આ બાળકના વાલીને વન વિભાગ તરફથી જે નાણાકીય સહાય મળે છે તે જેમ બને તેમ જલ્દી ચૂકવવાનો પ્રયાસ રહેશે, આ ઉપરાંત દીપડાને પકડવા માટે ૫ ટીમો બનાવવામાં આવી છે.
ભીનાર ગામના સરપંચ જીતેન્દ્રકુમાર રણજીત પટેલે જણાવ્યું કે, મને રાત્રે 8:12 મિનિટે ફોન આવ્યો હતો અને મને કીધું કે નાના બાળકને દીપડો ઉચકી ગયો છે, મેં તાત્કાલિક વન વિભાગ અને પોલીસ સ્ટાફને ફોન કર્યો હતો, વન વિભાગ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા હતા અને શોધખોળ કરતા અઢી કલાક બાદ બાળકનો મૃતદેહ મળ્યો છે, બાળકના પીએમ કરાવવાની તજવીજ હાલ ધરવામાં આવી રહી છે.
