નવસારીના ચીખલીની વાંઝણા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાંથી ઇયળ નીકળી, ફૂડ વિભાગે સેમ્પલ લીધા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 07 Mar 2024 12:26 PM (IST)Updated: Thu, 07 Mar 2024 12:26 PM (IST)
navsari-news-insect-found-at-midday-meal-of-primary-school-in-village-of-chikhli

Navsari News: નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલી વાંઝણા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં ઇયળ નીકળી હતી. વિદ્યાર્થીઓને ભાત અને મગનુ શાક પીરસવામાં આવ્યું હતું. જેમાં એક વિદ્યાર્થીની ડીશમાં પીરસવામાં આવેલા ભાત અને મગના શાકમાં ઇયળ જોવા મળતા શિક્ષકનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. શાળા દ્વારા તુંરત વિદ્યાર્થીઓને ભોજન પીરસવાનું અટકાવી દેવામાં આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર, ચીખલીના તાલુકાના વાંઝણામાં આવેલી પ્રાથમિક શાળામાં મંગળવારના રોજ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં ભાત અને મગનું શાક પીરસવામાં આવ્યું હતું. જે દરમિયાન ધોરણ 7ના એક વિદ્યાર્થીની ડીશમાં ભાત અને મગના શાકમાં ઇયળ જોવા મળી હતી. વિદ્યાર્થી દ્વારા આ સંદર્ભે તુરંત શિક્ષકનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને ભોજન પીરસવાનું બંધ કરવામાં આવ્યું હતું અને ફૂડ વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ વિભાગ દ્વારા ભોજનના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આ અંગે વાંઝણા પ્રાથમિક શાળાના આચાર્ય રાજુભાઈના જણાવ્યા અનુસાર, એનજીઓ દ્વારા પીરસવામાં આવતા ભોજનમાં ઇયળ જોવા મળતા ભોજન પીરસવાનું અટકાવી દેવામાં આવ્યું હતું અને ઉપલી કચેરીને આ અંગે જાણ કરવામાં આવી હતી. ભોજન સીલબંધ જ હતું અને બપોરે પીરસવાના સમયે જ ખોલવામાં આવ્યું હતું. બીજી તરફ મામલતદાર અર્જુન વસાવા દ્વારા જણાવાયું છેકે, ભોજનમા ઇયળ નીકળતા જરૂરી પંચકયાસ કરી જિલ્લામાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ લીધા છે.

નોંધનીય છેકે, મુંબઇના નાયક ફાઉન્ડેશન દ્વારા શાળામાં ભોજન પીરસવામાં આવે છે અને ભૂતકાળમાં પણ શાળામાં મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવતા ભોજનમાં ઇયળ અને ગરોળી નીકળવાના કિસ્સા બન્યા હતા. ત્યારે ફરીએકવાર ભોજનમાંથી ઇયળ નીકળતા બાળકોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તાને લઇને સવાલ ઉભા થયા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.